એલેઇસ મોરિસ (Maurice Allais)

January, 2004

એલેઇસ, મોરિસ (Maurice Allais) (જ. 31 મે 1911, પૅરિસ; અ. 9 ઑક્ટોબર 2010, ફ્રાન્સ) : 1988નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ફ્રેન્ચ અર્થશાસ્ત્રી. પિતા પૅરિસમાં દુકાન ધરાવતા હતા. શિક્ષણ પૅરિસ ખાતે. 1937–44 દરમિયાન તેમણે ફ્રેન્ચ સરકારના ખાણોને લગતા વિભાગમાં સેવાઓ આપી હતી. મૂળ એન્જિનિયર તરીકે તાલીમ પામેલા આ અર્થશાસ્ત્રીએ વિશ્વમહામંદી(1929)ના અરસામાં અમેરિકાની મુલાકાત લીધી હતી અને મહામંદીની અસરને પરિણામે બંધ થતાં કારખાનાંઓ અને ફેલાતી બેકારી જોઈને તેઓ અર્થશાસ્ત્ર તરફ વળ્યા. તેઓ ઉદારમતવાદી અર્થશાસ્ત્રી તરીકે ઓળખાય છે. બજારની પ્રક્રિયા તથા સાધનોની ફાળવણી અંગેના તેમના વિશ્લેષણે તે ક્ષેત્રને લગતા આર્થિક સિદ્ધાંતોને નવી દિશા પ્રાપ્ત થઈ હતી. તેમનું મોટાભાગનું સંશોધન, ફ્રેન્ચ ભાષામાં પ્રકાશિત થયેલું હોવાથી ફ્રાન્સની બહાર તેમના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત થવામાં વિલંબ થયો હતો.

મોરિસ એલેઇસ

બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના અરસામાં નાઝીઓના તાબા હેઠળના ફ્રાન્સમાં આ અર્થશાસ્ત્રીએ ત્યાંનાં બજારો તથા ભાવસપાટીનાં વલણોનું વિશ્લેષણ કર્યું હતું. તેમનું મોટાભાગનું આર્થિક વિશ્લેષણ જાહેર ક્ષેત્રના એકમોને લાગુ પડે છે. રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી વીજળીપુરવઠા જેવી જાહેર સેવાઓની ઇષ્ટ કિંમત નિર્ધારિત કરવામાં તેના માંગ તથા પુરવઠા સાથે ઉપલબ્ધ સાધનોનું કાર્યક્ષમ સંયોજન દર્શાવવા માટે તેમણે જટિલ ગાણિતિક મૉડલ્સનો ઉપયોગ કરેલો, આ ક્ષેત્રમાં તેમનું મહત્વનું પ્રદાન ગણાય છે. બીજી બાજુ, ફુગાવાને અંકુશમાં   રાખવા માટે કર-માળખામાં સરળતા અને  સુગમતા દાખલ કરવા પર તથા નાણાનીતિના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો છે.

1944થી તેઓ પૅરિસ ખાતેની ઇકોલ નૅશનલ સુપરિયરી ડી માઇન્સ (Ecole Nationale Superieure des Mines) સંસ્થામાં પ્રોફેસર તરીકે જોડાયા. તેમનું સંશોધન જાહેર ક્ષેત્રને સ્પર્શે છે. તેમના સંશોધનનો સાર એ છે કે દેશની વસ્તી જ્યારે સ્થિર હોય ત્યારે મહત્તમ વપરાશની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વ્યાજનો દર શૂન્ય રાખવો જોઈએ. વિશ્લેષણનું તેમનું આ તારણ ‘ગોલ્ડન રૂલ થિયરી’ (Golden Rule Theory) તરીકે ઓળખાય છે. નાણાંના પરિણામના સિદ્ધાંતને પુનર્જીવિત કરવામાં પણ તેમનો ફાળો નોંધપાત્ર ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં અને ખાસ કરીને 1945–68 દરમિયાન ફ્રાન્સમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રે જેટલું સંશોધન થયું તેમાંથી મોટા ભાગના સંશોધનને તેમણે પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં હતાં. આ સંશોધકોમાં ફ્રાન્સમાં મોટાં ખાનગી ઔદ્યોગિક ગૃહોમાં કામ કરતા અથવા રાજ્ય હસ્તકના ક્ષેત્રમાં કામ કરતા ઉદ્યોગકર્મીઓનો સમાવેશ થતો હતો. 1983માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ગેરાર્ડ ડબ્રોએ મોરિસ એલેઇસનું માર્ગદર્શન મેળવ્યું હતું.

તેમણે લખેલા સંશોધનલેખો તથા ગ્રંથોમાં ‘ગ્રોથ ઍન્ડ ઇન્ફલેશન’ (1969), ‘અ રિસ્ટેટમેન્ટ ઑવ્ ધ ક્વૉન્ટિટી થિયરી ઑવ્ મની’ (1966) તથા ‘ધ રોલ ઑવ્ કૅપિટલ ઇન ઇકૉનૉમિક ડેવલપમેન્ટ’ (1965) નોંધપાત્ર છે.

ઇજનેર અને અર્થશાસ્ત્રી હોવા ઉપરાંત ભૌતિકશાસ્ત્રમાં પણ તેમણે રસ લીધો હતો અને ગુરુત્વાકર્ષણના અને સાપેક્ષવાદના સિદ્ધાંત અંગે પ્રયોગો કર્યા હતા.

ફ્રાન્સ તથા અમેરિકાના ઘણા સમોવડિયા અર્થશાસ્ત્રીઓ મોરિસને એક વિલક્ષણ પ્રતિભાસંપન્ન વિચારક ગણે છે. 1977માં તેમને ‘ઑફિસર ઑવ્ ધ લિજિયન ઑવ્ ઑનર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે