એલન – ફોર્નિયર (જ. 3 ઑક્ટોબર 1886, સોલોન, ફ્રાન્સ; અ. 22 સપ્ટેમ્બર 1914, સેંટ રેમી ફ્રાન્સ) : ફ્રેંચ લેખક. મૂળ નામ હેનરી-અલબાન ફોર્નિયર. તેમણે પૂરેપૂરી લખેલી એકમાત્ર નવલકથા ‘ધ લાસ્ટ ડોમેન’ (1959) અર્વાચીન યુગની એક પ્રશિષ્ટ કૃતિ ગણાય છે. મધ્ય ફ્રાન્સમાં દૂર દૂર આવેલા ગ્રામ-વિસ્તારમાં ગાળેલા શૈશવના આનંદી દિવસોના બીજ પર રચાયેલી આ નવલકથામાં, એ ખોવાયેલી આનંદમય સ્વપ્નસૃષ્ટિ માટેની ઝંખના પ્રતિબિંબિત થાય છે. બીજી કેટલીક કૃતિઓ મુખ્યત્વે તેમના અવસાન બાદ પ્રગટ થઈ હતી; તેમાં ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘મિરેકલ્સ’ (1924) તથા ‘કૉરસપૉન્ડન્સ’ (ચાર ગ્રંથો) (1926-28) મુખ્ય છે. તેમનું અવસાન પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં લડાઈને મોરચે થયું હતું.
મહેશ ચોકસી