એલ. ફૉર્મ (L. form) : ગ્રામધની (gram positive) કે ગ્રામઋણી (gram nagative) બૅક્ટેરિયાનું કોષદીવાલરહિત સ્વરૂપ. લંડનની લિસ્ટર ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન કરતાં ક્લીન બર્જર નામના નોબેલ વિજ્ઞાનીએ સૌપ્રથમ 1935માં Streptobacillus monitiformis બૅક્ટેરિયામાં એલ ફૉર્મની શોધ કરી હતી. લિસ્ટર વૈજ્ઞાનિકના નામ પરથી બૅક્ટેરિયાના આ રૂપાંતરિત સ્વરૂપને L – Form નામ આપવામાં આવ્યું છે. નક્કર કોષદીવાલના અભાવે બૅક્ટેરિયા ચોક્કસ આકાર ધારણ કરવાને બદલે બહુરૂપ એલ ફૉર્મમાં ફેરવાય છે. આ એલ ફૉર્મના ગુણધર્મો માયકોપ્લાઝમા બૅક્ટેરિયાને મળતા આવે છે. કુદરતી અવસ્થામાં તેમજ કૃત્રિમ રીતે લાયસોઝાઇમ કે પેનિસિલીનનો ઉપયોગ કરવાથી બૅક્ટેરિયા L – Form પ્રાપ્ત કરી શકે છે.

પ્રમોદ રતિલાલ શાહ