એલન, જૉન (જ. 8 ઑગસ્ટ 1884, સ્કોટલેન્ડ; અ. 29 ઑગસ્ટ 1955, એડિનબર્ગ, યુ. કે.) : ભારતીય સિક્કાશાસ્ત્ર અને સંસ્કૃતના અંગ્રેજ વિદ્વાન. એડિનબરો અને લિપઝિક વિશ્વવિદ્યાલયોમાં પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો હતો. 1907માં તે બ્રિટિશ મ્યુઝિયમમાં જોડાયા અને ચાર દાયકા સુધી કાર્યરત રહ્યા. આ સમય દરમિયાન તેમણે લંડનની સ્કૂલ ઑવ્ ઑરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં તેમજ અન્યત્ર સંસ્કૃતમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારની યુદ્ધકચેરીમાં લશ્કરના ગુપ્તચર વિભાગમાં તેમણે સેવા આપી હતી. નિવૃત્તિકાળમાં તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે કામ કર્યું. ચાર દાયકા સુધી તે રૉયલ ન્યૂમિસ્મૅટિક સોસાયટીના સેક્રેટરીપદે રહ્યા હતા અને 1921થી 1950 સુધી ‘ન્યૂમિસ્મૅટિક ક્રૉનિકલ’ના એક સંપાદક પણ હતા. ‘સોસાયટી ઑવ્ ઍન્ટિક્વેરીઝ’ અને ‘રૉયલ આર્કિયૉલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ’ બંનેના ઉપપ્રમુખ પણ હતા. ‘કૅટલૉગ ઑવ્ ઇન્ડિયન કૉઇન્સ’, ‘કૉઇન્સ ઑવ્ એન્શયન્ટ ઇન્ડિયા’ અને ‘કૅટલૉગ ઑવ્ કૉઇન્સ ઑવ્ ઇન્ડિયન મ્યુઝિયમ’ તે સિક્કાશાસ્ત્ર વિશેના એમના મહત્વના ગ્રંથો છે.
રસેશ જમીનદાર