એરોન મેન્યુઅલ (જ. 30 ડિસેમ્બર 1935, મ્યાનમાર) : ભારતના ચેસના ઉત્તમ ખેલાડી. તમિળ માતાપિતાને ત્યાં જન્મ. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી 1955માં સ્નાતક પદવી મેળવીને તમિલનાડુમાં ઇન્ડિયા બૅન્કના ઑફિસર તરીકે જોડાયા.
પિતાને ચેસ રમતા જોઈને 7 વર્ષની ઉંમરે તેમને ચેસની રમતમાં રસ ઉત્પન્ન થયો. રમતના પાયાના નિયમો શીખ્યા. બારમે વર્ષે ભારતના ઉત્તમ ખેલાડી થવાનાં સ્વપ્ન જોવા લાગ્યાં. 1955થી ચેન્નઈની બધી જ અગત્યની ચેસ-સ્પર્ધાઓમાં તે ભાગ લેતા રહ્યા. ભારતની ચૅમ્પિયનશિપ 6 વર્ષ સુધી સતત જીતતા રહ્યા અને તમિલનાડુનું વિજેતાપદ 10 વર્ષ સુધી જાળવી રાખ્યું. દેશ બહાર અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. 1960, 64 અને 68ની ચેસ ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. ભારત સરકારે 1962માં અર્જુન એવૉર્ડ આપીને ચેસરમતના ઉત્તમ ખેલાડી તરીકે તેમને નવાજ્યા હતા. 1961ના વર્ષમાં ધી વર્લ્ડ ચેસ ફેડરેશન તરફથી તેમને ‘આંતરરાષ્ટ્રીય માસ્ટર’નું બિરુદ મળ્યું હતું, કારણ કે તે વર્ષે તે એશિયન ઑસ્ટ્રેલિયન ઝોનની સ્પર્ધામાં ચૅમ્પિયન થયા હતા.
‘ગ્રાન્ડ માસ્ટર’નું બિરુદ હાથવેંતમાં હતું છતાં તેમને ન મળ્યું, કારણ કે ચેસની રમતના સિદ્ધાંતનાં પુસ્તકો વાંચવાની અને આ માટેની ખાસ તાલીમ મેળવવાની કોઈ સગવડ ન હતી. આ ઊણપ પૂરીને ભારતના નવોદિત ખેલાડીઓને ચેસ માટે તાલીમ આપીને તૈયાર કરવાની તેમણે શરૂઆત કરી. એ માટે ચેન્નઈમાં ‘તાલચેસ’ ક્લબની સ્થાપના કરી, જેના પ્રથમ સ્થાપકપ્રમુખ પોતે રહ્યા. 200 જેટલા સભ્યો તેમાં જોડાયા. ભારતની તે ચેસની પ્રથમ અને મોટામાં મોટી ક્લબ છે.
એરોન યુરોપની ત્રણ મુખ્ય ભાષા ફ્રેંચ, જર્મન ને રશિયન શીખ્યા અને ચેસની રમતનાં તે તે ભાષાનાં પુસ્તકો ને સામયિકો મંગાવીને તેમણે તેમનો અભ્યાસ કર્યો છે.
વાસુદેવ મહેતા