ઍરોમેટિક લાક્ષણિકતા (Aromaticity) : કાર્બનિક અણુઓમાં સ્થાયી ઇલેક્ટ્રૉન કવચ સંરચના. સમતલીય એકચક્રીય કાર્બનિક અણુઓના અભ્યાસ દ્વારા હ્યુકલે (Huckel) સૂચવ્યું કે જે સમતલીય ચક્રીય રચનાઓ (4n + 2) π-ઇલેક્ટ્રૉન (n = 0, 1, 2, 3, …….) ધરાવતી હોય તથા બેન્ઝિન માફક ઇલેક્ટ્રૉનના પૂર્ણ કક્ષકો (closed shell) ધરાવતી હોય તેમનામાં નોંધપાત્ર સંસ્પંદન/વિસ્થાનીકરણ (delocalization) ઊર્જા હોવી જોઈએ. એટલે કે જે સમતલીય એકચક્રીય વલયમાં 2, 6, 10, 14, 18 કે 22 વિસ્થાપિત π-ઇલેક્ટ્રૉન હોય તે વલય ઍરોમેટિક ગુણધર્મો દર્શાવશે. બેન્ઝિન આ રીતે ઍરોમેટિક છે. સાઇક્લોઑક્ટાટેટ્રાઇનમાં 8 ઇલેક્ટ્રૉન હોઈ તે ઍરોમેટિક નથી; ઉપરાંત આ અણુ સમતલીય પણ નથી. આ જ રીતે વિષમચક્રીય પદાર્થો પાયરોલ, થાયૉફિન, ફયુરાન, પિરિડીન, ક્વિનોલીન વગેરે (4n + 2) π-ઇલેક્ટ્રૉનના હ્યુકલ નિયમને અનુસરતા હોઈ ઍરોમેટિક ગુણ દર્શાવે છે. ઍન્યુલીન (annulene) નામે ઓળખાતાં સંયોજનોમાં જેમને હ્યુકલ નિયમ લાગુ પાડી શકાય તેવાં (14), (18) તથા (22) ઍન્યુલીન સંયોજનો ઍરોમેટિક છે.

આમ ઍરોમેટિક લક્ષણ માટે જે પદાર્થોમાં અસંતૃપ્તતા હોવા છતાં યોગશીલને બદલે વિસ્થાપન-પ્રક્રિયા દર્શાવે, અસાધારણ સ્થાયિત્વ (ઊંચી સંસ્પંદન ઊર્જા) તેમજ (4n + 2) π-ઇલેક્ટ્રૉન ધરાવતી સમતલીય ચક્રીય રચના હોય તેમને ઍરોમેટિક પદાર્થો કહી શકાય.

હાલમાં સામાન્ય રીતે અણુમાં રહેલા π-ઇલેક્ટ્રૉનના વિસ્થાનીકરણની માત્રા (extent) ઉપર આધારિત ભૌતિક ગુણધર્મો માપીને ઍરોમેટિક લાક્ષણિકતા નક્કી કરવામાં આવે છે. આમાં દ્વિધ્રુવ-આઘૂર્ણ (dipole moment) પરિમાપન, (ii) ક્ષ-કિરણ વિશ્લેષણ, (iii) અધોરક્ત (infrared, IR), સ્પેક્ટ્રમિકી C-H (stretch), અને (iv) પારજાંબલી (ultraviolet, UV) સ્પેક્ટ્રમિકીનો સમાવેશ થાય છે. UV-સ્પેક્ટ્રમિકીમાં ઍરોમેટિક સંયોજનો π-ઇલેક્ટ્રૉનના મોટા (large) વિસ્થાનીકરણને કારણે તેઓના અનુરૂપ (analogues) આલ્કીન સંયોજનોના મુકાબલે લાંબી તરંગલંબાઈએ વિકિરણનું અવશોષણ કરે છે. છેવટનો નિર્ણય નાભિકીય ચુંબકીય સંસ્પંદન (n.m.r.) સ્પેક્ટ્રમિકી દ્વારા લેવામાં આવે છે. જે સંયોજનમાં પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર પ્રતિપાલિત (sustain) (ધારણ કરી રાખવાની) ક્ષમતા હોય તે ઍરોમેટિક હોવો જોઈએ. આ ગુણને વલય-પ્રવાહ (ring current) કહે છે.

જ્યારે ઍરોમેટિક પદાર્થની π-ઇલેક્ટ્રૉનપ્રણાલિ ઉપર પ્રયુક્ત ચુંબકીય ક્ષેત્ર (Ho) લગાડવામાં આવે છે ત્યારે વલયમાંના π-ઇલેક્ટ્રૉન વર્તુળાકારે વહેવા લાગે છે. આ વહેણને વલયવીજપ્રવાહ કહે છે. માત્ર ઍરોમેટિક પદાર્થો જ દિશાયુક્ત (directed) વલયવીજપ્રવાહ ઉત્પન્ન કરી શકે છે. આમ વલયવીજપ્રવાહની હાજરી ઍરોમેટિક ગુણધર્મ માટે એક સામાન્ય પ્રાયોગિક સાબિતી તરીકે વપરાય છે. (જુઓ : ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝોનન્સ.)

જ. પો. ત્રિવેદી