ઍરો, કેનેથ જૉસેફ (જ. 23 ઑગસ્ટ 1921, ન્યૂયૉર્ક; અ. 21 ફેબ્રુઆરી 2017, કેલિફોર્નિયા, યુ. એસ.) : આર્થિક સમતુલાના સિદ્ધાંતમાં તથા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનાર અમેરિકન અર્થશાસ્ત્રી. 1972માં તેમને પ્રો. જે. આર. હિક્સ સાથે સંયુક્ત રીતે અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ઍરો કેનેથ જૉસેફ

તેમણે 1940માં સિટી કૉલેજ ઑવ્ ન્યૂયૉર્કમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ઉપાધિઓ પ્રાપ્ત કરી. 1947-49 દરમિયાન કાઉલ્સ કમિશનમાં રિસર્ચ ઍસોસિયેટ તરીકે કાર્ય કર્યું. શિકાગો (1948-49), સ્ટૅનફર્ડ (1949-68), હાર્વર્ડ (1968-79) અને 1979થી ફરી સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યાપન કરતા રહ્યા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકેની કારકિર્દી દરમિયાન ત્યાં પ્રથમ કક્ષાના અર્થશાસ્ત્રના સિદ્ધાંતકારો માટેની સંસ્થાના વિકાસ માટે પ્રેરણા આપી હતી. 1973માં તેઓ અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખ બન્યા. તેઓ અમેરિકાની આર્થિક સલાહકાર સમિતિમાં સભ્ય હતા. ઉપરાંત રૅન્ડ કૉર્પોરેશનના પણ તેઓ સલાહકાર રહ્યા.

તેમણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રને આધુનિક ગણિતીય તકનીક લાગુ પાડવાનું તથા ગણિતીય અર્થશાસ્ત્રના સ્વરૂપને નવો ઓપ આપવાનું મહત્વનું કાર્ય કર્યું છે. ઉપરાંત, ઇષ્ટતમ સાધન-સંયોજન પ્રાપ્ત કરવા માટે વિકેન્દ્રીકરણના મહત્વ પર તેમણે ભાર મૂક્યો છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં સામાજિક કલ્યાણ વિધેયનો ખ્યાલ તેમણે વિકસાવી આપ્યો છે. તેમના મુખ્ય ગ્રંથોમાં ‘સોશ્યલ ચૉઇસ ઍન્ડ ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુઝ’ (1951), ‘સ્ટડીઝ ઇન મૅથેમૅટિકલ થિયરી ઑવ્ ઇન્વેન્ટરી ઍન્ડ પ્રૉડક્શન’ (1958), ‘એસેઝ ઇન ધ થિયરી ઑવ્ રિસ્કબેરિંગ’ (1971), ‘જનરલ કૉમ્પિટિટિવ ઍનાલિસિસ’ (1971; એફ. એચ. હામ સાથે સહલેખન), ‘પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ’, ‘ધ રોલ ઑવ્ રિટર્ન ઍન્ડ ઑપ્ટિમલ ફિસ્કલ પૉલિસી’ (1972; એમ. કુર્ઝ સાથે સહલેખન) અને ‘ધ લિમિટ્સ ઑર્ગેનાઇઝેશન’(1974)નો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે