એરિસ્ટિડિઝ (જ. ઈ. પૂર્વે 530; અ. ઈ. પૂર્વે 468) : ન્યાયીપણા માટે જાણીતો ઍથેન્સનો મુત્સદ્દી અને સેનાપતિ. ઈ. પૂ. 490માં મૅરેથોનની લડાઈમાં સેનાપતિ પદ સંભાળીને તેણે ઈરાની સૈન્યને સખત હાર આપી હતી. બીજાં વરસે તે ‘આર્કન ઇપોનિમસ’ તરીકે ચૂંટાયો હતો. તે પ્રબળ ભૂમિદળનો હિમાયતી હતો. જ્યારે તેનો પ્રતિસ્પર્ધી થેમિસ્ટોક્લીઝ શક્તિશાળી નૌકાસૈન્ય માટે આગ્રહી હતો. આ નીતિભેદને કારણે તેને દેશવટો આપવામાં આવ્યો હતો. એક મંતવ્ય પ્રમાણે તે સંકુચિત મનનો અને લોકશાહીનો વિરોધી હતો. તેના ન્યાયીપણાના બિરુદની ઈર્ષ્યાને કારણે તે લોકોની ખફગીનો ભોગ બન્યો હતો.
ઈરાની આક્રમણ ફરી થતાં કટોકટીને કારણે તેને પરત બોલાવવામાં આવ્યો હતો. તેની આગેવાની નીચેના નૌકાકાફલાએ ઈરાનીઓને સાલામીસની લડાઈમાં ઈ. પૂ. 480માં સખત હાર આપી હતી.
ઈ. પૂ. 477માં ગ્રીક મિત્રરાજ્યોએ સ્પાર્ટાને બદલે ઍથેન્સની આગેવાની સ્વીકારી હતી અને ‘ડેલિયન લીગ’ના આ સભ્ય દેશોએ દર વરસે આપવાનાં વહાણો અને નાણાંની ફાળવણી ન્યાયી હોઈ સ્વીકારી હતી. આમ તેની ન્યાયી મુલવણી કે આકારણીને કારણે તેને ‘ન્યાયી’(just)નું બિરુદ મળ્યું હતું.
ઈ. પૂ. 479માં પ્લેટિયાની લડાઈમાં વિજય મેળવ્યા બાદ તેને ‘સ્ટ્રેટેગોસ’ તરીકે નીમવામાં આવ્યો. નબળી આર્થિક સ્થિતિને કારણે તેના પરિવારને પેન્શન સ્વીકારવાની ફરજ પડી હતી.
ઉત્કટ દેશભક્તિ અને ન્યાયી વર્તાવને કારણે તેણે અભૂતપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરી હતી.
શિવપ્રસાદ રાજગોર