ઍરિસ્ટાર્કસ ઑવ્ સામોસ

January, 2004

ઍરિસ્ટાર્કસ ઑવ્ સામોસ (Aristarchus of Samos) : ઍલેક્ઝાન્ડ્રિયન વિચારધારા(School)નો, ઈ. પૂર્વે ત્રીજી સદી(310-230)માં થઈ ગયેલો વિખ્યાત ગ્રીક તત્વવેત્તા. ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી. સ્થિર પૃથ્વીની આસપાસ સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારા પરિભ્રમણ કરે છે એ માન્યતાને નકારી કાઢીને તેણે એમ જાહેર કર્યું કે પૃથ્વી પોતાની ધરી પરના ભ્રમણ ઉપરાંત સૂર્યની આસપાસ પણ પરિભ્રમણ કરે છે. જોકે તેના આ મંતવ્યને તે વખતે બહુ ટેકો સાંપડ્યો ન હતો. તેણે સૂર્ય અને ચંદ્રનાં સાપેક્ષ અંતર તથા કદ માપવાની રીતનો પણ નિર્દેશ કર્યો હતો. તેણે કહ્યું કે ચંદ્ર બરાબર અર્ધો દેખાય ત્યારે પૃથ્વીને ચંદ્ર સાથે જોડતી રેખા, સૂર્યને ચંદ્રની સાથે જોડતી રેખા સાથે કાટખૂણો બનાવે છે. આ રીતે બનતા કાટખૂણ ત્રિકોણનો કર્ણ (hypotenuse), પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપે છે. આ ઉપરથી તેણે જણાવ્યું કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર વીસગણું છે અને કદમાં સૂર્ય, ચંદ્ર કરતાં વીસગણો મોટો છે. આ ગણતરી બહુ સાચી નથી, કારણ કે ઍરિસ્ટાર્કસે અણઘડ (crude) સાધન ઉપર કામ કર્યું હતું.

છોટુભાઈ સુથાર