અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ) : પ્રત્યેક વસ્તુને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવી, જોવી અને કહેવી તે. જૈનદર્શનની આધારશિલા અનેકાન્તવાદ છે. જૈનધર્મમાં જ્યારે પણ કોઈ વાત કહેવાઈ છે ત્યારે તે અનેકાન્તની કસોટી પર સારી રીતે ચકાસીને કહેવાઈ છે. આથી દાર્શનિક સાહિત્યમાં જૈનદર્શનનું બીજું નામ અનેકાન્તદર્શન પડ્યું છે.
જૈનદર્શનમાં પ્રયોજાતા ‘અનેકાન્ત’ શબ્દનો અર્થ છે પ્રત્યેક વસ્તુને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવી, જોવી અને કહેવી તે. જૈનદર્શનમાં સર્વથા એક જ દૃષ્ટિકોણથી પદાર્થનું અવલોકન કરવાની પદ્ધતિને અપૂર્ણ અને અપ્રમાણ મનાઈ છે. પણ એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા ધર્મોનું કથન કરવાની પદ્ધતિને પૂર્ણ અને પ્રમાણિત માનવામાં આવે છે. આ પદ્ધતિ અનેકાન્તવાદની છે, જેનાં સ્યાદ્વાદ વગેરે બીજાં નામો છે.
જગતના બધા જ પદાર્થ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણ ધર્મોથી યુક્ત છે. જૈનદર્શનમાં એને માટે ક્રમશ: ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉદાહરણત: એક સોની પાસે સોનાની એક બંગડી છે તેને ગાળીને ગળાનો હાર બનાવી લે છે. આમ બંગડીનો નાશ થઈ ગયો અને હારની ઉત્પત્તિ થઈ. પણ એનાથી એમ નહિ કહી શકાય કે બંગડી બિલકુલ નાશ પામી અને હાર બિલકુલ નવો બની ગયો. પરંતુ બંગડી અને હારમાં સોનાનું જે મૂળ તત્ત્વ છે તે તો જેમનું તેમ પોતાની સ્થિતિમાં ઉપસ્થિત છે, વિનાશ અને ઉત્પત્તિ કેવળ આકારની જ થઈ. જૂના આકારનો નાશ થયો છે અને નવા આકારની ઉત્પત્તિ થઈ છે. આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે એક જ સોનામાં ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવત્વ ત્રણે ધર્મો મોજૂદ છે. આ ત્રણે ધર્મોમાં જે મૂળ વસ્તુ રહે છે તેને દ્રવ્ય કહે છે, અને જે ઉત્પન્ન અને નાશ થાય છે તેને પર્યાય કહે છે. સોનું દ્રવ્ય છે અને બંગડી અને હાર પર્યાય છે. દ્રવ્યની દૃષ્ટિએ બધી જ વસ્તુ નિત્ય છે, અને પર્યાયની દૃટિએ અનિત્ય છે. આ પ્રમાણે બધા જ પદાર્થોને ન એકાન્ત નિત્ય અને ન એકાન્ત અનિત્ય, પણ નિત્યાનિત્ય બંને માનવા તે અનેકાન્તવાદ છે.
સ્યાદ્વાદ : અનેકાન્તવાદના પ્રમાણમાં ‘સ્યાદવાદ’ શબ્દ અતિ પ્રાચીન છે. એનું બીજ જૈન આગમોમાં મળે છે. ‘સિયસાસયા’, ‘સિયઅસાસિયા’ (स्यात् शाश्वतं स्यात् अशाश्वतं) એવો પ્રયોગ મળે છે.
અનેકાત્મક વસ્તુનું કથન કરવાને માટે ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ કરવો પડે છે. સ્યાત્ નો અર્થ છે કથંચિત્. કોઈ એક દૃષ્ટિથી વસ્તુ આ પ્રકારે કહેવાય છે, અને બીજી દૃષ્ટિથી વસ્તુનું કથન બીજા પ્રકારથી થઈ શકે છે. જોકે વસ્તુમાં આ બધાયે ધર્મો છે, પરંતુ આ સમયે આપણો દૃષ્ટિકોણ આ ગુણ તરફ મંડાયેલો છે. એટલે વસ્તુ આ સ્વરૂપે દેખાઈ રહી છે. વસ્તુ કેવળ એ રૂપની જ નથી, પરંતુ તેનાં બીજાં રૂપ પણ છે. આ સત્યને અભિવ્યક્ત કરવા માટે સ્યાત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ ‘સ્યાત્’ શબ્દના પ્રયોગને કારણે જ ભારતીય દર્શનોમાં સ્યાદવાદ કહેવાય છે. ‘સ્યાતપૂર્વક’ જે વાદ અર્થાત્ વચન તે સ્યાદ્વાદ છે. તેથી અનેકાન્તાત્મકનો અર્થ સ્યાદવાદ એમ કર્યો છે.
સપ્તભંગી-વસ્તુમાં સ્વની સત્તાની જેમ અસત્તા ન હોય તો એનું સ્વરૂપ જ બની શકે નહિ. એ સ્વીકાર અને અસ્વીકાર બે એકાશ્રયી હોય છે. આ સ્થિતિમાં વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરતી વખતે સ્યાદ્વાદમાં નીચે લખેલા સપ્તભંગોની કથન-પરંપરા ચાલે છે.
(1) સ્યાત્ અસ્તિ-કથંચિત્ છે.
(2) સ્યાત્ નાસ્તિ-કથંચિત્ નથી.
(3) સ્યાત્ અસ્તિ નાસ્તિ-કથંચિત્ છે અને નથી.
(4) સ્યાત્ અવક્તવ્ય-કથંચિત્ કહી શકાતું નથી.
(5) સ્યાત્ અસ્તિ અવક્તવ્ય-કથંચિત્ છે પણ કહી શકાતું નથી.
(6) સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય-કથંચિત્ નથી તોપણ કહી શકાતું નથી.
(7) સ્યાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય-કથંચિત્ છે અને નથી તોપણ કહી શકાતું નથી.
આ સાત ભંગોમાંથી સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ અને સ્યાત્ અવક્તવ્ય આ ત્રણે ભંગોનો ઉલ્લેખ જૈનાગમ ‘ભગવતીસૂત્ર’માં મળે છે. આ ત્રણે વિકલ્પોના સંયોગોથી જ બાકીના ચાર ભંગો બને છે.
રૂપેન્દ્રકુમાર પગારિયા