એમ. શિવરામ (જ. 1905, બૅંગાલુરુ; અ. 26 ડિસેમ્બર 2006 ) : કન્નડ લેખક. બૅંગ્લોર યુનિવર્સિટીમાંથી દાક્તરીમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને ત્યાં જ વ્યવસાય શરૂ કર્યો. કૉલેજમાં હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. વાર્તા, નવલકથા, હાસ્ય અને વ્યંગ્ય એમ અનેક પ્રકારોમાં એમણે પ્રતિષ્ઠિત લેખક તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમણે ભિન્ન ભિન્ન સાહિત્યપ્રકારો ખેડેલા. એમણે ‘કોરવંજી’ (1943-1967) નામનું એક સામયિક પણ શરૂ કરેલું. એમાં વિશેષત: હાસ્યરસનું નિરૂપણ હતું. એ સામયિક એકધારું 25 વર્ષ સુધી ચાલ્યું. નવલકથા, નવલિકા, હાસ્ય અને વ્યંગ્યના નિબંધો અને વાર્તાઓ, રેડિયો નાટિકા ઇત્યાદિ મળીને 1989 સુધીમાં તેમનાં 25 પુસ્તકો પ્રગટ થયાં છે. એમને નવલિકાસંગ્રહ ‘મનમંથન’(1974)ને માટે 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. એ કૃતિમાં વ્યવસાયી મનોવૈજ્ઞાનિક ચિકિત્સક તરીકે એમને જે સામગ્રી મળી, તેની કલાત્મક ગૂંથણી કરીને તેને નવલિકાના સ્વરૂપમાં ઢાળી છે. તેમણે અંગ્રેજીમાં ‘ડેથ ઍન્ડ નચિકેતા’ (1980) તત્વચિંતનનું પુસ્તક પ્રગટ કરેલું છે.
બાલુ રાવ
અનુ. ચન્દ્રકાન્ત મહેતા