એમર્સન, રાલ્ફ વાલ્ડો

January, 2004

એમર્સન, રાલ્ફ વાલ્ડો (જ. 25 મે 1803, બૉસ્ટન; અ. 27 એપ્રિલ 1882, કૉન્કોર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન નિબંધકાર, ચિંતક અને કવિ. પિતા ફર્સ્ટ ચર્ચ ઑવ્ બૉસ્ટનના યુનિટેરિયન પાદરી હતા. તેમની સાત પેઢીઓથી કોઈ ને કોઈ નબીરા પાદરી બનતા હતા. એમર્સન અનુભવાતીત જ્ઞાનની ચળવળના પ્રમુખ નેતા હતા. રાલ્ફ કડવર્થ, રૉબર્ટ લિટન, જેરેમી ટેયલર અને સૅમ્યુઅલ ટેય્લર કૉલરિજ જેવા વિચારકોનો તેમના ઉપર પ્રભાવ હતો. અંગ્રેજી રોમૅન્ટિક વિચારધારા, નવ્ય પ્લેટોવાદ અને હિંદુ તત્વજ્ઞાનનો પણ તેમના ઉપર પ્રભાવ હતો. પોતાના વિચારો કાવ્યાત્મક બાનીમાં અને છટાદાર શૈલીમાં અભિવ્યક્ત કરવાની તેમનામાં સારી ફાવટ હતી. તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આ પછી તેમની ફોઈએ તેમની સંભાળ રાખી હતી. બૉસ્ટનની પબ્લિક લૅટિન સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો. 18 વર્ષની ઉંમરે તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઉપાધિ મેળવી લીધી હતી. બૉસ્ટનની એક શાળામાં ત્રણ વર્ષ સુધી તેઓ શિક્ષક તરીકે રહ્યા હતા. 1825માં 22 વર્ષની વયે હાર્વર્ડની ડિવિનિટી સ્કૂલમાં દાખલ થયેલા. 1829માં પોતે પાદરી બન્યા, પરંતુ મનથી તેઓ જુનવાણી પ્રથાઓનો સ્વીકાર કરી શક્યા નહિ. તેમનાં પત્નીનું અવસાન થતાં 1832માં તેઓ પાદરી-પદેથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. જોકે પાદરી તરીકે તેમણે ધાર્મિક વ્યાખ્યાનો (sermons) આપ્યાં, જે પછીનાં વર્ષોમાં તેમનાં વક્તવ્ય અને લખાણો માટે પાયારૂપ બન્યાં હતાં. યુરોપના પ્રવાસ દરમિયાન તેમને સૅમ્યુઅલ ટેયલર કૉલરિજ, વિલિયમ વર્ડ્ઝવર્થ, વૉલ્ટર સેવેજ લૅન્ડૉર અને ટૉમસ કાર્લાઇલ વગેરેનો પરિચય થયો. કાર્લાઇલ સાથે તેમને ગજબની દોસ્તી હતી.

રાલ્ફ વાલ્ડો એમર્સન

એમર્સને એલન લૂઇઆ ટકર સાથે લગ્ન કર્યાં, પરંતુ ટૂંક સમયમાં એલનનું ટી. બી.ના વ્યાધિને કારણે અવસાન થયેલું. 1833માં કૉન્કોર્ડમાં વસ્યા. અહીં તેમણે ‘ધ ફિલૉસોફી ઑવ્ હિસ્ટરી’, ‘હ્યૂમન કલ્ચર’, ‘હ્યૂમન લાઇફ’ અને ‘ધ પ્રેઝન્ટ એજ’ જેવા વિષયો પર રસપ્રદ વ્યાખ્યાનો આપ્યાં. ‘નોથી સોટન’ (1831) અછાંદસ રચનાનું, આત્માની અનુભૂતિને વ્યક્ત કરતું સ્તોત્ર છે. ‘નેચર’ (1836) તેમનું પ્રથમ પ્રકાશન હતું, જેમાં લેખક તરીકે તેમણે પોતાનું નામ લખવાનું ટાળ્યું હતું. આ પુસ્તક તેમના ખૂબ મહત્વના મૌલિક વિચારો પ્રગટ કરે છે. ‘ટ્રાન્સેન્ડેન્ટલિઝમ’નાં મૂળ તત્વોનો સાર તેમાંથી મળે છે. તે સ્વાનુભવ, પશ્ચાત્તાપ અને ભવિષ્યવાણીનું કથન કરતો આકરગ્રંથ છે. પ્રકૃતિ તો અહૈતુક કૃપાવાળા જિસસના જેવી છે. આ નાનકડા પુસ્તકના વિચારો પર પ્લેટો, પ્લૉટાઇનસ, કૉલરિજ, સ્વિડનબૉર્ગ અને ગટે જેવા ચિંતકોની અસર છે. યુરોપની મુસાફરી દરમિયાન તેમને અંગ્રેજ કવિ-લેખકોનો પરિચય થયો હતો. વર્ડ્ઝવર્થ, કૉલરિજ અને કાર્લાઇલનું બ્યાન તેમણે ‘ઇંગ્લિશ ટ્રેટ્સ’માં કર્યું છે. બૉસ્ટનમાં તેમણે આપેલાં વ્યાખ્યાનો મુક્ત શિક્ષણ માટેના નમૂનારૂપ હતાં.

1834માં તેમના ભાઈ એડ્વર્ડ બ્લિસનું અવસાન થયું. હવે કૉન્કોર્ડમાં તેમણે કાયમી નિવાસ કરવાનું નક્કી કર્યું. ‘રોડૉરા’, ‘ઝેનોફેનીઝ’, ‘ઇચ ઍન્ડ ઑલ’, ‘ધ સ્નો-સ્ટૉર્મ’ વગેરે ઊર્મિકાવ્યો આ અરસામાં રચાયાં. તેમણે પોતાનાથી ઉંમરે મોટાં લિડિયા જૅક્સન સાથે 1835માં લગ્ન કર્યાં. 1836માં તેમના અન્ય બંધુ ચાર્લ્સ ચાઉન્સીનું અવસાન થયું.

એમર્સનનાં સંતાનોમાં વાલ્ડો, એલન, એડિથ અને એડ્વર્ડ હતાં.

‘ધી અમેરિકન સ્કૉલર’ (1837) હાર્વર્ડના બૌદ્ધિકોને ઉદ્દેશીને રજૂ થયેલાં વ્યાખ્યાનો છે. તેમાં પુસ્તકોને ગૌણ ગણી પ્રકૃતિ અને કર્મને અગત્યનાં ગણાવ્યાં છે. ‘ઍડ્રેસ ઍટ ડિવિનિટી કૉલેજ’માં ધાર્મિક સંસ્થાઓ અને જિસસના દેવત્વને આડખીલીરૂપ ગણાવ્યાં છે. અગોચર જ્ઞાનને પામવા મથતી તેમની ‘ટ્રાન્સેન્ડેન્ટલ ક્લબ’ (1836) યુવકો માટે નવી પ્રેરણાનો સ્રોત બની હતી. ‘યુરિયલ’ બોધકથા નવા સત્યને પામવાની મથામણ દર્શાવે છે. આ સંદર્ભમાં તેમણે ‘ધ ડાયલ’ (1840) નામનું સામયિક શરૂ કરેલું. ત્યારપછી તેમણે પોતાના નિબંધો બે ભાગમાં (1841; 1844) પ્રકાશિત કર્યા, જેમની ખ્યાતિ દેશદેશાવરમાં પ્રસરી. આમાંના ‘હિસ્ટરી’, ‘સેલ્ફ-રિલાયન્સ’, ‘કૉમ્પેન્સેશન’, ‘ફ્રેન્ડશિપ’, ‘ધ પોએટ’ અને ‘પૉલિટિક્સ’ નિબંધો નોંધપાત્ર છે.

તેમના પુત્ર વાલ્ડોનું 1842માં અકાળે અવસાન થયું. આ ઘટનાના ઉદ્વેગમાંથી ‘થ્રેનોડી’ કરુણપ્રશસ્તિ લખાઈ. ‘પોએમ્સ’ (1846) અને ‘મે-ડે’ તેમના કાવ્યસંગ્રહો છે. આ પ્રકાશનોએ તેમને અમેરિકાના મોટા ગજાના કવિ તરીકે સ્થાપિત કર્યા. ‘રેપ્રિઝેન્ટેટિવ મૅન’(1849)માં પ્લેટો, સ્વિડનબૉર્ગ, મૉન્તેઇન, શેક્સપિયર, નેપોલિયન બોનાપાર્ટ અને ગટે માનવજાતના પરમ સેવકો છે તેવી તેમની માન્યતા વ્યક્ત થઈ છે. ‘ઇંગ્લિશ ટ્રેટ્સ’માં અંગ્રેજ પ્રજાની ખાસિયત અને પરંપરાઓ વિશે તેમણે અવલોકન કર્યું છે.

‘ધ કન્ડક્ટર ઑવ્ લાઇફ’ (1860) એમર્સનના પરિપક્વ વિચારોનો ગ્રંથ છે. માનવોની મર્યાદાઓને લક્ષમાં લઈ માનવતાવાદનો મહિમા અહીં વ્યક્ત થયો છે. ‘થૉરો’(1862)માં પોતાના એ શિષ્ય તરફથી કેટલું બધું શીખવાનું મળ્યું છે તેનો સ્વીકાર કર્યો છે. ‘ધ બૉસ્ટન હિમ’(1863)માં સ્વાતંત્ર્યની જાહેરાતને તેમણે વધાવી લીધી છે. ‘વોલન્ટરિઝ’માં અશ્વેત પ્રજાનો મહિમા ગાયો છે. ‘સોસાયટી ઍન્ડ સૉલિટ્યૂડ’ (1870) તેમની છેલ્લી ગદ્યકૃતિ છે.

તેમના પત્રવ્યવહારમાં 5,000 પત્રોનો સમાવેશ થાય છે. આર. એલ. રસ્કે 6 ગ્રંથોમાં તેમનું પ્રકાશન 1939માં કરેલું છે. 1872માં તેમના કૉન્કોર્ડવાળા ઘરને આગે લપેટમાં લીધેલું, પરંતુ ભલા પડોશીઓએ તેમનાં હસ્તલિખિત લખાણો અને પુસ્તકોને બચાવી લીધાં હતાં. એમર્સન માટે ફંડફાળો એકઠો કરી તેમને યુરોપ અને ઇજિપ્તના પ્રવાસે મોકલી આપવામાં આવેલા. લોકોએ તેમને ભારે આદર અને સ્નેહ આપ્યાં. મુસાફરીએથી પાછા આવ્યા ત્યારે પડોશીઓએ તેમનું ઘર હતું તેનાથી પણ વધુ સુંદર બનાવી દીધું હતું.

છેલ્લાં વર્ષોમાં પોતાની પુત્રી એલનની મદદથી એમર્સન ઘરની પરસાળમાં લોકોને પ્રેમથી મળતા હતા. 1879થી 1880માં કૉન્કોર્ડની સ્કૂલ ઑવ્ ફિલૉસોફી ઍન્ડ લિટરેચરમાં તેમનાં વ્યાખ્યાનો યોજાતાં હતાં.

પોતાના પર એમર્સનનું મોટું બૌદ્ધિક ઋણ છે તેનો સ્વીકાર નીત્શે, ઊનામૂનો, મૉરિસ મેટરલિંક અને હેનરી બર્ગસા જેવા મહામનીષીઓએ કર્યો છે.

તેમના પુત્ર એડ્વર્ડ વાલ્ડો એમર્સને તેમનાં લખાણોનું ‘કમ્પ્લીટ વર્ક્સ’ના દસ ગ્રંથોમાં 1909-14 દરમિયાન સંપાદન કરેલું. તેમનાં ‘અર્લી લેક્ચર્સ’ ત્રણ ગ્રંથોમાં 1959-64માં પ્રકાશિત થયાં હતાં. 1960થી શરૂ કરીને 16 ગ્રંથોમાં ‘જર્નલ્સ ઍન્ડ નોટબુક્સ’નું સંપાદન થયું છે.

કૃષ્ણવદન જેટલી

વિ. પ્ર. ત્રિવેદી