એમ. મુકુન્દન્ [જ. 10 સપ્ટેમ્બર 1942, મય્યષી (માહી), ભૂતપૂર્વ ફ્રેંચ વસાહત, ઉત્તર કેરળ] : મલયાળમના જાણીતા નવલકથાકાર તથા અગ્રેસર વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘દૈવત્તિન્ટે વિકૃતિકળ’ (ઈશ્વરની ચેષ્ટાઓ) માટે 1992ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે મય્યષી શહેરની લાબોરદોને કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓએ નવી દિલ્હી ખાતે આવેલી ફ્રેંચ એલચી કચેરીમાં સેવા આપી છે.
20 વર્ષની ઉંમરે તેમની પ્રથમ વાર્તા પ્રગટ થઈ હતી. તેમના ઘણાં વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. તેમાં ‘હૃદયવતિયાય પેણકુટ્ટી’ (હૃદયવાળી છોકરી) ઉલ્લેખનીય છે, જેને 1985માં કેરળ સાહિત્ય અકાદમી સન્માન મળ્યું છે. તેમણે નવલકથાઓ લખી છે, જેમાં ‘ઇ લોકમ, અતિલોરુ મનુષ્યન’ (‘આ સંસાર અને ત્યાં એક આદમી’)ને 1974માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1980માં ‘મય્યષિપ્પુષયુટે તીરંગલિલ’(‘માહી નદીના કિનારે’)ને લેખક સહકારિતા સમાજનો પુરસ્કાર તથા ‘દૈવત્તિન્ટે વિકૃતિકળ’ને વિશ્વદીપમ્ પુરસ્કાર આપવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત નવલકથા ‘દૈવત્તિન્ટે વિકૃતિકળ’ એક અર્ધ-કાલ્પનિક અને અર્ધ-વાસ્તવિક કથાકૃતિ છે. લેખક પોતાના સમાજના બહિષ્કૃત અને ઉપેક્ષિત વર્ગોની ચુપકીદીનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે તથા પુરાણકથાના માધ્યમ દ્વારા વાસ્તવિકતા પ્રગટ કરે છે. તેમની કાવ્યાત્મક શૈલી, લોકકથાઓમાં ઊંડાં મૂળ થવું અને કથાનક અને આ અરાજક વિશ્વને એક ખાસ વ્યવસ્થા દર્શાવતા એક આગવા સિદ્ધ પ્રયોગના આવિષ્કારને કારણે આ નવલકથા ધ્યાનપાત્ર છે.
તેઓને 1973માં કેરાલા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1992માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 2006માં ક્રોસવર્ડ બુક ઍવૉર્ડ, 2018માં એઝુત્તચ્છન પુરસ્કાર તેમ જ 2021માં જેસીબી પ્રાઇઝ મળ્યાં છે. તેમની નવલકથા ‘છેયુન્ના કુડાકલ’ને 2022માં બાશ્રી ઍવૉર્ડ અને 2023માં થાકાઝી ઍવૉર્ડ અને ‘નિનંગલ’ નવલકથા માટે 2023માં પદ્મરાજન ઍવૉર્ડ પ્રાપ્ત થયાં છે.
બળદેવભાઈ કનીજિયા