એમરી (emery) : કોરન્ડમ (60 %થી 75 %) અને મૅગ્નેટાઇટ(10 %થી 35 %)નું કુદરતમાં મળી આવતું ઘનિષ્ઠ (intimate) મિશ્રણ. તે પ્રાચીન સમયથી ઘર્ષક તરીકે વપરાય છે. ગ્રીસના નેક્સોસ ટાપુની એમરી ભૂશિરમાંથી પ્રાચીન સમયમાં તે મેળવાતું તેથી આ ખનિજ એમરી નામથી ઓળખાયું હોવાનું મનાય છે.

એમરી કાળાશ પડતા સૂક્ષ્મ દાણાદાર નિક્ષેપ રૂપે મળે છે. તેમાં હેમેટાઇટ અને સ્પિનેલ ખનિજો પણ હોય છે અને તેનો દેખાવ લોહના ખનિજને મળતો હોય છે. એમરીમાંનું કોરન્ડમ α-ઍલ્યુમિના (Al2O3) છે. વિવિધ ખનિજોનું તે અતિઘનિષ્ઠ મિશ્રણ હોઈ તેને એક પ્રકારનો ખડક ગણવા તરફ ભૂસ્તરશાસ્ત્રીઓનું વલણ છે. તેની ઘનતા 3.7થી 4.3 હોય છે અને તેની મ્હો માપક્રમ (Mho’s Scale) ઉપર કઠિનતા 7થી 9 જેટલી હોય છે. (શુદ્ધ કોરન્ડમની કઠિનતા 9 છે.) તેની કાર્યક્ષમતાનો આધાર તેમાં રહેલ ઍલ્યુમિનાના ભૌતિક સ્વરૂપ ઉપર છે.

તે મુખ્યત્વે ઘર્ષક (abrasive) અને પ્રમાર્જક (polishing) પદાર્થ તરીકે પ્રાચીન સમયથી રત્નો, લેન્સ, પ્લેટકાચ વગેરેને ઘસવા માટે વપરાય છે. લપસી ન પડાય તેવું ભોંયતળિયું બનાવવા તે હાલમાં વપરાય છે. એમરી ચૂર્ણને યોગ્ય બંધક પદાર્થ (bonding material) સાથે મિશ્ર કરીને, ઘસવા માટેની સરાણ, એમરી પેપર અને એમરી કાપડ તૈયાર કરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ