એમ. કમલ (જ. 8 ઑગસ્ટ 1925, કનડિયરો જિલ્લો, કરાંચી, પાકિસ્તાન) : સિંધી ભાષાના જાણીતા કવિ અને નાટ્યલેખક. તેમનું મૂળ નામ મૂલચંદ મંઘારામ બિંદ્રાણી છે. તેઓ ‘કમલ’ ઉપનામથી લખે છે. તેમને તેમના ઉત્તમ ગઝલસંગ્રહ ‘બાહિ જા વારિસ’ (એટલે કે ‘નરકના વારસદાર’) માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

કરાંચીમાં અભ્યાસ. 1947માં ભારતમાં સ્થળાંતર. મહારાષ્ટ્રના ઉલ્હાસનગર ખાતે સ્થિર થયા અને મુંબઈની કેન્દ્રીય રેલવે-સેવામાં જોડાયા અને ત્યાંથી 1983માં સેવાનિવૃત્ત થયા. હાલ તેઓ ‘મહરાન કલા રંગમંચ’ના દિગ્દર્શક અને કમલ કિતાબ ઘરના સંચાલક તરીકેની કામગીરી સંભાળે છે.

પ્રસિદ્ધ કવિ લેખરાજ અઝીઝના માર્ગદર્શન હેઠળ તેમણે 1947માં સાહિત્ય-કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમણે તેમને ખાસ કરીને ગઝલોની છંદોરચનાની કળામાં પાવરધા બનાવ્યા. તેમણે ગઝલો અને કાવ્યો ઉપરાંત રેડિયો માટેનાં 5 એકાંકીઓ લખ્યાં છે. તેમાં ‘મ્યુનિસિપલ કાઉન્સિલર’ (1977); ‘નાટક’ (1980); ‘ખોટો સિક્કો’ (1987) અને ‘ખુશખબરી’ (1990) મુખ્ય છે. તેમાં અદ્યતન સિંધી સમાજનું સાચું ચિત્ર રજૂ કરીને વિવિધ રાજકીય ઘટનાઓ પર કટાક્ષ કરવામાં આવ્યા છે. આ નાટકો વિવિધ ખાનગી તેમજ સરકારી મંડળો અને સંસ્થાઓની પ્રશંસા પામ્યાં છે.

એમ. કમલ

તેમનાં કાવ્યો અને ગઝલસંગ્રહોમાં ‘નિન્દા અને જાગા’ (નિદ્રા અને જાગૃતિ, 1965); ‘ઝૂરિયલ જીઉ’ (‘ચિંતાતુર હું’, 1971); ‘ગારન્દરા બર્ફ જા નકશા’ (‘પીગળતા બરફની છાપ’, 1975); ‘રોશન રહૂન ધુન્ધિલિયાલા મંગા’ (‘ચોખ્ખા માર્ગ’, ‘ધૂંધળી મંઝિલ’, 1981); ‘પૉંઝા ગઝલ’ (‘પચાસ ગઝલો’, 1983) ઉલ્લેખનીય છે. તેમની આ કૃતિઓને કેન્દ્રીય હિંદી નિયામકની કચેરી અને મહારાષ્ટ્ર સરકાર તરફથી પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘બાહિ જા વારિસ’ 72 ગઝલોનો સંગ્રહ છે. તે પરંપરાગત શૈલીમાં લખાયેલ છે અને તેમાં સમકાલીન શહેરી જીવનની જટિલતાનું આબેહૂબ ચિત્રાંકન છે. આ ગઝલોમાં પ્રગટ થતી સર્જનાત્મક મૌલિકતા અને સામાજિક વાસ્તવિકતાની ઉત્કટતાને કારણે સિંધી સાહિત્યમાં તે મહત્વનું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા