એપિફની : ખ્રિસ્તી ધર્મ અને સાહિત્યના સંદર્ભમાં અલક્ષિત વાસ્તવનું સર્જનાત્મક ક્ષણે થતું ત્વરિત આંતરદર્શન. ગ્રીક ભાષાના આ શબ્દનો અર્થ પ્રાગટ્ય કે દર્શન થાય છે. ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’માં તેનો સંદર્ભ ઈસુ ખ્રિસ્તના પ્રાગટ્ય સાથે જોડાયેલો છે. મજાઈ યાત્રીઓને ઈસુ ખ્રિસ્તે છઠ્ઠી જાન્યુઆરીએ બારમી રાત્રીએ દર્શન દીધાં હતાં. ઈસુદર્શનનો આ પર્વદિન છે.
જેમાં આ પ્રકારનું દર્શન થતું હોય તે કૃતિનો ઉલ્લેખ પણ ‘એપિફની’ તરીકે થાય છે. જેમ્સ જૉઇસ આ સંજ્ઞાને ‘ત્વરિત આવિષ્કાર પામેલા આધ્યાત્મિક દર્શન’ તરીકે ઓળખાવે છે. એમની એક કૃતિ ‘સ્ટીફન હીરો’(આ. 1904)માં આ આધ્યાત્મિક દર્શન પ્રથમ વાર સ્ફૂર્ત થતું હતું. તેનો સંપૂર્ણ વિનિયોગ ‘અ પૉર્ટ્રેટ ઑવ્ ધી આર્ટિસ્ટ ઍઝ અ યંગ મૅન’(1916)માં થતો જોવા મળે છે. સર્જકની સર્જનાત્મક પ્રક્રિયાને સ્પર્શતી આ સંજ્ઞા માનવચિત્તમાં ક્યારેક ત્વરિત સ્ફુરતા આંતરસત્વને સૂચવતી હોય છે.
કેટલાક લેખકોએ અને વિશેષે તો પ્રભુનો સાક્ષાત્કાર કરવાનો કે તેનામાં વિલીન થવાનો પ્રયત્ન કરનાર સાધકોએ પોતાના અનુભવને વ્યક્ત કર્યો છે. જ્યૉર્જ હર્બર્ટ, હેનરી વ્હૉન અને જિરાર્ડ મૅનલી હૉપકિન્સનાં કાવ્યોમાં આ અનુભવ શબ્દસ્થ થયો છે, ગુજરાતી કવિ સુન્દરમે તેમના ‘વિરાટની પગલી’ કાવ્યમાં આવા સાક્ષાત્કારને અભિવ્યક્ત કર્યો છે.
નલિન રાવળ
વિ. પ્ર. ત્રિવેદી