અનુપમાદેવી : ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન 13મી સદીમાં થયેલા ધોળકાના વાઘેલા રાણા વીરધવલના મંત્રી તેજપાલની પત્ની. ચંદ્રાવતીના પ્રાગ્વાટ ધરણિંગની આ પુત્રી કદરૂપી હોઈ તેજપાલને તે ગમતી નહોતી. પણ કુલગુરુ વિજયસેનસૂરિની પ્રેરણાથી તેણે અનુપમાદેવીનો સ્વીકાર કર્યો હતો. વિનય, વિવેક, ઔચિત્ય અને દાક્ષિણ્યને લીધે તે વસ્તુપાલ અને તેજપાલ જેવા મંત્રીઓની પ્રેરણાદાયિની અને સલાહકાર બની હતી. તેની પ્રેરણાથી તેમણે અનેક જિનપ્રાસાદો રચાવ્યા હતા, જેમાં આબુ પરનું લુણવસહી સૌથી વધુ પ્રસિદ્ધ છે. અનુપમાદેવી તેની વિદ્વત્તાને લીધે ‘ષડ્દર્શનમાતા’ કહેવાઈ છે. તે ‘કંકણકાવ્ય’ પણ રચતી હતી.
પ્રવીણચંદ્ર પરીખ