અનુપપત્તિ (ન્યાય) : એક તર્કદોષ. ‘ઉપપત્તિ’ એટલે તાર્કિક સંગતિ, અવિરોધ; તેનો અભાવ તે ‘અન્-ઉપપત્તિ’. કોઈ પદાર્થ કે સિદ્ધાંતની સ્થાપનામાં નડતો આ એક તર્કદોષ છે. તર્કદૃષ્ટિએ જ્યારે કોઈ તથ્યનું અસ્તિત્વ અમુક અન્ય બાબતનું અસ્તિત્વ ફલિત કરે, ત્યારે તે તથ્ય પેલી અન્ય બાબતના અભાવની સ્થિતિમાં સંભવતું નથી. આથી જ કોઈ નવી (= અસિદ્ધ) સિદ્ધાન્તકલ્પના કે પદાર્થકલ્પના કોઈ સિદ્ધ બાબત સાથેની તાર્કિક વિસંગતિની સ્થિતિમાં પોતે જ અસત્ ઠરે, પેલી સિદ્ધ બાબત નહિ. નવા તથ્યની સ્થાપનામાં નડતી આવી તાર્કિક વિસંગતિ તે જ અનુપપત્તિ. ક્યારેક આ દોષ નવીન કલ્પનાને ઉચ્છેદીને તેનાથી વિરુદ્ધ તથ્યને પણ સ્થાપે. દા.ત., ‘જગત ઈશ્વરરહિત છે’. એવી કલ્પના જગતની સિદ્ધ નિયમબદ્ધતા સાથે વિસંગત હોઈ અનુપપત્તિયુક્ત ઠરે છે. તેમાંથી ઈશ્વરસિદ્ધિ પણ સ્થાપી શકાય.

નીતિન ર. દેસાઈ