એન્ટાનાનારિવો (તાનાનારિવ) : માડાગાસ્કર ટાપુનું પાટનગર. આફ્રિકા ખંડની પૂર્વ દિશામાં માડાગાસ્કર ટાપુ આવેલો છે. ભૌગોલિક સ્થાન : 18o 55′ દ. અ. અને 47o 31′ પૂ. રે.. વસ્તી : આશરે 12.08 લાખ (2018). આફ્રિકા ખંડ અને આ ટાપુની વચ્ચે મોઝાંબિકની ખાડી આવેલી છે. હિન્દ મહાસાગરનો આ સૌથી મોટો ટાપુ છે. માડાગાસ્કરની મધ્યમાં ખેતવિસ્તારોના પ્રદેશમાં એન્ટાનાનારિવો આવેલું છે. આ શહેર ઉચ્ચપ્રદેશ પર આવેલું હોવાથી એની આબોહવા ખુશનુમા અને શીતળ છે. આ શહેરની આસપાસ ખેતી ઉપરાંત ખનિજ-ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસેલો છે. આસપાસના ખેતવિસ્તારોમાં ચોખા, જુવાર, કોકો, બાજરી, કેળાં અને બટાટા વગેરેની ખેતી થાય છે; જ્યારે ખનિજસંપત્તિમાં ગ્રૅફાઇટ અને બૉક્સાઇટ મુખ્ય છે.
આ શહેરમાં હબસીઓ કરતાં મલાયા, ઇન્ડોનેશિયા, ચીન અને ભારતમાંથી આવીને વસેલા લોકોની વસ્તી વધારે છે. આ શહેર હવાઈ મથક છે. ઉપરાંત રેલવે અને સડકમાર્ગે તે દેશનાં અગત્યનાં શહેરો તમતવે, માજન્ગા, માનાકરા, ટુલિયર અને મોરોન્શવા અને દિએગો-સુઆરેઝ સાથે જોડાયેલું છે. પ્રાકૃતિક સૌંદર્ય માટે આ શહેર સહેલાણીઓનું આકર્ષણકેન્દ્ર ગણાય છે.
મહેશ મ. ત્રિવેદી