ઍન્ટની, માર્ક (જ. ઈ. પૂ. 82/81; અ. ઈ. પૂ. 30) : જુલિયસ સીઝરના બલાઢ્ય સેનાપતિ અને ખ્યાતનામ રોમન પ્રશાસક. તે પ્રખર વક્તા, પ્રભાવશાળી લોકનાયક, ઑક્ટેવિયન સાથેનો ત્રિ-જન શાસક (triumvir) તથા ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાના પ્રેમી તરીકે પણ ખ્યાતિ પામેલા. યુવાવસ્થામાં સ્વૈરજીવન જીવ્યા પછી જ્યૂડા (પૅલેસ્ટાઇન) તથા ઇજિપ્તમાં અશ્વદળના સેનાપતિ (ઈ. પૂ. 57-54) તરીકે શ્રેષ્ઠ કામગીરી કરેલી. રોમન સમ્રાટ જુલિયસ સીઝરના શાસનમાં રાજકીય તથા વહીવટી હોદ્દાઓ ભોગવ્યા (ઈ. પૂ. 54-53, 52-50). ઈ. પૂ. 51માં પ્રશાસનિક અધિકારીની રૂએ સેનેટનું સભ્યપદ પ્રાપ્ત કર્યું હતું, જ્યાં સીઝરને સંપૂર્ણ વફાદારીપૂર્વક ટેકો આપ્યો હતો. ઇટાલીના દ્વીપકલ્પમાંથી પૉમ્પેની ફરજિયાત પીછેહઠ પછી તેના પર પ્રશાસકીય વર્ચસ્ પ્રાપ્ત કર્યું હતું. ઈ. પૂ. 48-47 દરમિયાન માસ્ટર ઑવ્ હૉર્સના પદની રૂએ સીઝરના અંગત મદદનીશ બન્યા હતા. તે પદ પરથી રુખસદ પામ્યા પછી ઈ. પૂ. 44 સુધી પદ અને સત્તા વિનાનો સમય ગાળ્યો હતો. ફરી સીઝરના સલાહકાર (consul) નિમાયા હતા. તે પછી તેમને પાંચ વર્ષ માટે પ્રાંતીય ગવર્નરનું પદ એનાયત થયું હતું.
ઈ. પૂ. 43માં ઑક્ટેવિયન(ભાવિ સમ્રાટ ઑગસ્ટસ)ના જોડાણવાળા મોરચાના હાથે પરાજય પામ્યા હતા. તે જ વર્ષે નવેમ્બરમાં ઑક્ટેવિયન તથા લેપિડસ સાથે સામ્રાજ્યના વિભાજન અંગે પાંચ વર્ષનો કરાર કર્યો હતો. ઈ. પૂ. 41-40 દરમિયાન ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા સાથે ઍલેક્ઝાંડ્રિયામાં રહ્યા હતા. ઑક્ટેવિયન સાથે સુલેહ કરવાના હેતુથી તેની બહેન ઑક્ટેવિયા સાથે લગ્ન કરવાની દરખાસ્ત સ્વીકારી હતી. પછી વિક્ષેપ ઊભો થતાં ઑક્ટેવિયોને છૂટાછેડા આપ્યા અને પોતે ફરી રાણી ક્લિયોપેટ્રા સાથે રહેવા ચાલ્યા ગયા. જીવનનાં છેલ્લાં સાત વર્ષ બંનેએ સાથે રહીને સીરિયામાં ગાળ્યાં હતાં. આ સંબંધને પરિણામે બે પુત્રો અને એક પુત્રીનો જન્મ થયો હતો, જેમને શાહી ખિતાબ (titles) બહાલ કરવામાં આવ્યા હતા. ઈ. પૂ. 32માં ત્રિ-જન શાસનનો ઔપચારિક અંત આવ્યો હતો. ઑક્ટેવિયન સાથેના સંઘર્ષમાં પરાજય (ઈ. પૂ. 31) થતાં ઇજિપ્ત ચાલ્યા ગયા. પરાસ્ત અવદશામાં ઈ. પૂ. 30માં ઍન્ટની તથા ક્લિયોપેટ્રા બંનેએ આત્મહત્યા કરી હતી.
વિલિયમ શેક્સપિયરનાં ‘ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા’ તથા ‘જુલિયસ સીઝર’નાં બે સુવિખ્યાત નાટકો ચરિત્ર રૂપે નિરૂપણ પામતાં ઍન્ટનીએ ઇતિહાસ અને સાહિત્ય બંનેમાં કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે