ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા (1607) : રોમના સેનાધિપતિ ઍન્ટની અને ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાના પ્રણયને આવરી લેતું શેક્સપિયર લિખિત પાંચ અંકમાં પ્રસરતું કરુણ નાટક. શેક્સપિયરે લખેલી ઐતિહાસિક પ્રકારની ટ્રૅજેડી. 1623 (પ્રથમ ફોલિયો) સુધી આ નાટક છપાયું ન હતું. એનું કથાવસ્તુ બહુધા પ્લૂટાર્કના ‘ઍન્ટનીનું જીવનચરિત્ર’માં સમાવિષ્ટ છે. સર ટી. નૉર્થે કરેલા પ્લૂટાર્કના ભાષાંતરને કેટલીક ઉક્તિઓમાં શેક્સપિયર શબ્દશ: અનુસરે છે. ‘કાઉન્ટેસ ઑવ્ પેમ્બ્રોક’ અને ‘એસ. ડેનિયલ’નાં નાટકોમાં આ કથાના ગૌણ સ્રોત જણાય છે.
ઍલેક્ઝાન્ડ્રિયામાં ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાના સૌન્દર્યથી આકર્ષિત મહાન સૈનિક અને ઉદાર રાજપુરુષ ઍન્ટનીની રજૂઆત આ નાટકમાં થાય છે. ઘરઆંગણે એની પત્નીના મૃત્યુ તેમજ રાજકીય ઊથલપાથલના સમાચારને લીધે ક્લિયોપેટ્રાથી કમને છૂટો થઈ ઍન્ટની રોમ પાછો ફરે છે. ઑક્ટેવિયસ સીઝરની ભગિની ઑક્ટેવિયો સાથે તેનું લગ્ન થતાં સીઝર અને તેની વચ્ચેના અણબનાવનો અંત આવે છે. આ ઘટના ક્લિયોપેટ્રાના દિલોદિમાગમાં તીવ્ર ઈર્ષ્યા પેદા કરે છે. કમનસીબે સીઝર સાથેની તેની સંધિ અલ્પાયુ નીવડતાં, ઍન્ટની ઑક્ટેવિયોનો ત્યાગ કરીને ઇજિપ્ત પાછો ફરે છે. ઍક્ટિયમના યુદ્ધમાં ઇજિપ્તના સૈન્યની ટુકડીને ભાગી જવું પડે છે. ઍલેક્ઝાન્ડ્રિયામાં સીઝર પીછો પકડતાં ઍન્ટનીને પાછી પાની કરવી પડે છે. શરૂઆતમાં ક્ષણિક વિજય મેળવ્યા પછી ઍન્ટનીની હાર થાય છે. આ તરફ ક્લિયોપેટ્રાના મૃત્યુના તદ્દન ખોટા સમાચાર મળતાં, તે દુ:ખ જીરવી ન શકતાં, ઍન્ટની લાગલો પોતાની તલવાર ઉપર પડીને આત્મહત્યા કરે છે. જે સ્થળે ક્લિયોપેટ્રાએ શરણું લીધું છે ત્યાં જ ઍન્ટનીના મરણોન્મુખ દેહને લાવવામાં આવે છે અને છેવટે ક્લિયોપેટ્રાના જ હાથમાં તે મૃત્યુ પામે છે. ક્લિયોપેટ્રા સીઝરના તાબામાં આવે છે પણ તેના વિજયને તે કબૂલ રાખતી નથી અને સ્વહસ્તે જ નાગદંશ લઈ સ્વેચ્છાએ મૃત્યુનું શરણ લે છે. આ કથાવસ્તુને ‘ઑલ ફૉર લવ’ નામના નાટકમાં નાટ્યકાર ડ્રાયડને રજૂ કરી છે.
વિ. પ્ર. ત્રિવેદી