ઍન્ઝુસ સંધિ (1951)

January, 2004

‘ઍન્ઝુસ’ (ANZUS) સંધિ (1951) : રશિયા સાથેના અંતર્યુદ્ધના ભાગ રૂપે મિત્રરાષ્ટ્રોએ કરેલ લશ્કરી કરાર. બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં રશિયા સાથેના ઠંડા યુદ્ધના ભાગ રૂપે અમેરિકાએ રુકાવટ(containment)ની નીતિ અપનાવી, તેના પરિણામે ઘણા દેશો સાથે ‘નાટો’ (North Atlantic Treaty Organization, 1949) જેવા લશ્કરી કરાર કરવામાં આવ્યા. એમાંનો એક તે ‘ઍન્ઝુસ’ કરાર એટલે કે ઑસ્ટ્રેલિયા (A), ન્યૂઝીલૅન્ડ (Nz) અને યુનાઇટેડ સ્ટેટ્સ (U.S.) – એ ત્રણેય દેશો વચ્ચે થયેલા લશ્કરી કરાર; એમાં યુ.એસ. દ્વારા પૅસિફિક સમુદ્રમાં આવેલા બાકીના બંને દેશોને રક્ષણની બાંયધરી આપવામાં આવી. 1950માં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ શરૂ થતાં આ કરારનો ઐતિહાસિક-રાજકીય સંદર્ભ સ્પષ્ટ થાય છે. આ પછી 1954માં ‘સિયાટો’ (SEATO : South East Asia Treaty Organization) કરાર કરવામાં આવ્યો. જેમાં આ બંને દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. વિયેટનામનું યુદ્ધ શરૂ થતાં ઑસ્ટ્રેલિયાએ આ કરારની રૂએ શરૂઆતમાં 8,000 અને પછીથી 4,500 જેટલા સૈનિકો અમેરિકાની સહાયમાં મોકલ્યા હતા.

દેવવ્રત પાઠક