ગેમૉવ, જ્યૉર્જ (Gamow, George) (જ. 4 માર્ચ 1904, ઓડેસા, રશિયા; અ. 19 ઑગસ્ટ 1968, બોલ્ડર, કોલોરાડો, યુ.એસ.) : રશિયન અમેરિકન ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રી અને બ્રહ્માંડ વિજ્ઞાનશાસ્ત્રી (cosmologist). મૂળ રશિયન નામ Georgy Antonovich Gamov. ‘બિગ-બૅંગ’ થિયરીના હિમાયતી. પિતા સાહિત્યના શિક્ષક હતા. આથી ગેમૉવમાં ઉત્કૃષ્ટ કોટિના શિક્ષણ અને સંસ્કારનું સિંચન થયું હતું. 1914થી 1920 દરમિયાન ઓડેસામાં શાળાકીય શિક્ષણ લીધું. રશિયાની રાજકીય અસ્થિરતાએ તેમના શિક્ષણમાં ઘણા અંતરાય ઊભા કર્યા હતા. તેમણે પેટ્રોગાર્ડ (લેનિનગ્રાડ) યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં 1925માં પ્રકાશ અંગેના પ્રયોગો શરૂ કર્યા. એ. એ. ફ્રીડમાનના માર્ગદર્શન હેઠળ સાપેક્ષિકીય બ્રહ્માંડશાસ્ત્ર(relativistic cosmology)નો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે ક્વૉન્ટમ યાંત્રિકીનો અભ્યાસ કર્યો. 1926માં શ્રોડિંજરના તરંગ-સમીકરણ ઉપર પ્રથમ સંશોધનલેખ પ્રકાશિત કર્યો. આ સમયગાળામાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન, ડિ-સીટર અને લેમાત્ર જેવા વિજ્ઞાનીઓએ બ્રહ્માંડીય નમૂના (cosmological models) તૈયાર કર્યા હતા તેના ઉપર ગેમૉવે ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ શરૂ કર્યો. 1928માં પીએચ.ડી. મેળવીને તેઓ ગોટિંજન ગયા. અહીં તેમણે તરંગ-યાંત્રિકી(wave mechanics)નો વિગતે અભ્યાસ કર્યો અને આલ્ફા કણ ક્ષય(α-decay)ની ઘટના સમજાવવા તરંગ યાંત્રિકીનો ઉપયોગ કર્યો. ન્યૂક્લિયર વિભવ અંતરાય (nuclear potential barrier) ઓળંગીને યુરેનિયમ પરમાણુમાંથી આલ્ફાકણ ઉત્સર્જન માટે આશરે 9 MeV ઊર્જા જરૂરી છે; પરંતુ અંતરાય ઓળંગવાનું સૈદ્ધાંતિક રીતે જેમને માટે શક્ય નથી તેવા 4 MeV ઊર્જા ધરાવતા આલ્ફા કણ પણ યુરેનિયમ ન્યૂક્લિયસમાંથી ઉત્સર્જિત થતા નોંધાયા છે. ગેમૉવે આ ઘટનાની સમજૂતી તરંગ યાંત્રિકીને આધારે આપી. અંતરાયરૂપ દીવાલને ઓળંગીને નહિ પણ તેને ભેદીને આલ્ફા-કણ ઉત્સર્જિત થવાની ઘટનાને ‘‘ટનલિંગ (tunnelling)’’ કહે છે. આ કાર્યથી પ્રભાવિત થઈને પરમાણુ ભૌતિકવિજ્ઞાની નીલ બ્હોરે ગેમૉવને કાર્લ્સબર્ગ ફેલોશિપ એનાયત કરી અને કોપનહેગનમાં આવેલ સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનની સંસ્થામાં એક વર્ષ માટે સંશોધનકાર્ય કરવા આમંત્રણ આપ્યું. ત્યાં ગેમૉવે ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનની કેટલીક પ્રાથમિક સમસ્યાનો અભ્યાસ કરીને તે હલ કરી. તારાઓની આંતરિક સ્થિતિનો પણ તેમણે મૌલિક અભ્યાસ કર્યો. ત્યારબાદ કેમ્બ્રિજની કૅવેન્ડિશ પ્રયોગશાળાની ફેલોશિપ મળતાં, ત્યાં પ્રાયોગિક કાર્ય શરૂ કર્યું. અહીં તેમણે ન્યૂક્લિયસનું વિભંજન (fission) કરવા માટે પ્રવેગિત પ્રોટૉનનો ઉપયોગ કર્યો અને તે માટેની જરૂરી ઊર્જાનું મૂલ્ય મેળવ્યું. ઊર્જાના મૂલ્યની આવી ગણતરી ઉપરથી જે. ડી. કૉકક્રૉફ્ટ (Cockcroft) અને અર્નેસ્ટ વૉટસનને કણ-પ્રવેગક(particle accelerator)ની રચના કરવામાં સફળતા મળી. ગેમૉવે 1931માં સોવિયેટ યુનિયન છોડ્યું અને યુ.એસ.ની મિશિગન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય માટે જોડાયા. 1934માં જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. અહીં એડવર્ડ ટેલર સાથે સંશોધનકાર્ય શરૂ કર્યું અને બીટા કણક્ષય માટેનો ગેમૉવ-ટેલર પસંદગીનો નિયમ (selection rule) આપ્યો. તેમના ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અભ્યાસનાં પરિણામોનો ખગોલીય (astronomical) ક્ષેત્રે ઉપયોગ કરીને ન્યૂક્લિય પ્રક્રિયાઓ પર આધારિત તારાકીય ઉત્ક્રાંતિ(steller evolution)નો સિદ્ધાંત વિકસાવ્યો. હાન્સ બેથે નામના વિજ્ઞાનીએ આ સિદ્ધાંતને આધારે તારાઓમાં પ્રવર્તતા કાર્બન-ચક્રની શોધ કરી. લાલ વિરાટ તારાઓ(red giants)માં પ્રવર્તતી ઊર્જા પ્રક્રિયાઓની ગેમૉવે ખોજ કરી, જેને આધારે વિસ્તરતા જતા વિશ્વ(expanding universe)ની સમજ વધુ સ્પષ્ટ બની. આ સાથે નોવા અને સુપરનોવા જેવા વિસ્ફોટક તારાઓના વિસ્ફોટ માટે જવાબદાર પરિબળોનો અભ્યાસ કર્યો, જેનો આશય વિશ્વના પ્રારંભ અને પ્રભવને સમજવા માટેનો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગેમૉવે યુ.એસ. નૌકાદળમાં સલાહકાર તરીકે કામગીરી બજાવી. અહીં તેમણે ભિન્ન ભિન્ન વિસ્ફોટને કારણે પેદા થતા આંચકા(shocks)નો અભ્યાસ કર્યો. ગેમૉવે વિજ્ઞાનને લગતાં શ્રેણીબદ્ધ લોકભોગ્ય પુસ્તકો લખ્યાં છે, જે તેમનું વિશિષ્ટ પ્રદાન કહી શકાય. ‘મિસ્ટર ટૉમકિન્સ ઇન વન્ડરલૅન્ડ’ (1936) તેમનું પ્રથમ અને લોકપ્રિય પુસ્તક છે. એમાં તેમણે સાપેક્ષવાદના સિદ્ધાંતને સામાન્ય વાચક સમજી શકે તેવી સરળ ભાષામાં રજૂ કર્યો છે. તદુપરાંત ‘વન, ટુ, થ્રી … ઇન્ફિનિટી (1947)’, ‘ધ ક્રિયેશન ઑવ્ ધી યુનિવર્સ’ (1952, સુધારેલી આવૃત્તિ 1961), ‘એ પ્લેનેટ કૉલ્ડ અર્થ’ (1963), અને ‘એ સ્ટાર કૉલ્ડ ધી સન’ (1964) તેમનાં બીજાં જાણીતાં પુસ્તકો છે. ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન, બ્રહ્માંડવિજ્ઞાન અને સાપેક્ષવાદ એ ગેમૉવના અભ્યાસ તથા સંશોધનનાં ક્ષેત્ર હતાં. આ ગહન વિષયોને લોકભોગ્ય બનાવવામાં ગેમૉવનો ફાળો અમૂલ્ય છે. બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વના પ્રારંભિક અસ્તિત્વના પરિશ્યની ગેમૉવે રચના કરી. તેને આધારે ગેમૉવે સૂચન કર્યું કે ‘બિગ-બૅંગ’ પહેલાં ‘ઇલેમ (Y lem – બ્રહ્માંડનો મૂળ પદાર્થ, જેમાંથી સૃષ્ટિનું તમામ દ્રવ્ય ઉત્પન્ન થયેલું છે તે) નામનું આદ્ય (primordial) દ્રવ્ય હતું જે પ્રબળ ઊર્જા વિકિરણ દ્વારા જકડાયેલ ઇલેક્ટ્રૉન, પ્રોટૉન અને ન્યૂટ્રૉનનું બનેલું હતું. ગેમૉવના સૂચન મુજબ, વિશ્વની ઉત્પત્તિ બાદ, પાછળથી ઉત્પન્ન થયેલાં ભારે તત્ત્વો માટે આ ઘટકો (ingradients) જવાબદાર છે. 1948ના ‘ફિઝિકલ રિવ્યૂ’ના અંકમાં આને લગતી ગણતરીઓ પ્રસિદ્ધ કરવામાં આવી. આ જ વર્ષે ગેમૉવ અને રાલ્ફ આલ્ફેરે ‘ધ ઓરિજિન ઑવ્ કેમિકલ એલીમેન્ટ્સ’નો સંશોધનલેખ પ્રકાશિત કર્યો અને ‘‘બિગ-બૅન્ગ’’ની સમજૂતી આપી. 1964માં આ વિકિરણની એ. પેન્ઝિયાસ અને આર. વિલ્સને શોધ કરી. અને ત્યારબાદ થોડાક જ સમયમાં આર. એસ. ડિકે અને પી. જે. ઈ. પિબલ્સે તે વિકિરણની નિર્ણાયક કસોટી કરી.
ગેમૉવને યુનેસ્કોનું કલિંગ પારિતોષિક (1956) અને ચર્ચિલ કૉલેજ, કેમ્બ્રિજની ફેલોશિપ (1965) મળ્યાં હતાં. રૉયલ ડેનિશ ઍકેડમી ઑવ્ સાયન્સીઝનું સભ્યપદ (1950) અને યુ. એસ. નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝનું સભ્યપદ (1953) પણ તે ધરાવતા હતા.
પ્રહલાદ છ. પટેલ