ગેત્સ, હરમાન (જ. 17 જુલાઈ 1898, કાર્લશૃહે, જર્મની; અ. 8 જુલાઈ 1976, હિડનબર્ગ, પ. જર્મની) : ભારતીય વિદ્યા (indology)ના અભ્યાસી જર્મન કલાવિદ્. તેમના પિતા જર્મનીના કાર્લશૃહેની આટર્સ ઍન્ડ ક્રાફ્ટ કૉલેજના ડિરેક્ટર હતા. 1917માં મ્યૂનિકમાં અધ્યયન માટે જોડાયા. 1918માં લશ્કરમાં સેવા આપેલી.
પ્રાચીન ઇજિપ્તનો ઇતિહાસ, ગ્રીક કલાનો ઇતિહાસ, બૌદ્ધ ધર્મ અને કલા, પૂર્વ તથા પશ્ચિમના સાંસ્કૃતિક સંબંધો અને આર્થિક ઇતિહાસ વગેરે સાથે અરબી, ઈરાની, તુર્કી જેવી ભાષાઓ તથા પુરાવસ્તુવિદ્યા જેવા વિષયો શીખ્યા. મ્યૂનિક અને બર્લિનમાં પ્રો. શુબ્રિંગ પાસે ભારતીય વિદ્યાનું અધ્યયન કર્યું. પીએચ.ડી.ની પદવી માટે ‘મોગલ સામ્રાજ્યના દરબારી પોશાકો’નો અભ્યાસ કરેલો.
ભારતીય લઘુચિત્રોના અધ્યયન માટે વિવિધ સ્થળે કામ કરીને 1936માં ભારત આવ્યા અને 1955 સુધી રહ્યા.
ડૉ. હરમાન ગેત્સ 1939થી 1953 સુધી બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલરીના અધ્યક્ષ હતા. તેમણે તેમના કાર્યથી વડોદરાના સંગ્રહાલયને વિશ્વવિખ્યાત બનાવ્યું. તેમનાં લખાણોમાં ઇતિહાસ, પુરાવસ્તુ, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, ઔદ્યોગિક વસ્તુઓ, ધર્મ, આધુનિક કલા, અગ્નિ એશિયાની કલા, પશ્ચિમ એશિયાની કલા, ઇસ્લામી કલા, યુરોપીય કલા, પૂર્વ અને પશ્ચિમના સંબંધો, સંગ્રહાલયવિદ્યા આદિનો સમાવેશ થાય છે.
‘ઇન્ડિયા – ફાઇવ થાઉઝન્ડ યર્સ ઑવ્ ઇન્ડિયન આર્ટ’ પુસ્તકમાં ભારતીય કલા અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની સમજ આપતું વિસ્તૃત નિરૂપણ કરેલું છે. કૉલકાતા યુનિવર્સિટીમાં 1938માં આપેલાં વ્યાખ્યાનો પૈકી ‘ધ ક્રાઇસિસ ઑવ્ ઇન્ડિયન સિવિલિઝેશન ઇન ધ એઇટીન્થ ઍન્ડ અર્લી નાઇનટીન્થ સેન્ચ્યુરીઝ’માં ઇન્ડો-મુસ્લિમ સંસ્કૃતિની ઉત્પત્તિ બતાવી છે. તેમનાં અન્ય નોંધપાત્ર પુસ્તકોમાં ‘ધ આર્ટ ઍન્ડ આર્કિટેક્ચર ઑવ્ બિકાનેર’; ‘આર્ટ ઑવ્ વાય. કે. શુક્લ’ તથા ‘બુલેટિન ઑવ્ બરોડા સ્ટેટ’ મુખ્ય છે.
વિશ્વની કલાના પ્રવાહોમાં ક્રમબદ્ધતા અને વિકાસ સર્વત્ર જોવામાં આવે છે અને તે જ રીતે ભારતમાં તથા અન્યત્ર દેશકાલાનુરૂપ વિકાસ થયેલો છે. આ વિચાર ડૉ. હરમાન ગેત્સે વ્યવસ્થિત રીતે રજૂ કરીને કલાની સ્થગિતતાનો વિચાર ટકી શકતો નથી એવું પ્રતિપાદન કર્યું છે. ગુજરાત તથા પશ્ચિમ ભારતના કલાપ્રવાહોને પ્રસિદ્ધ કરવાનું ચિરસ્થાયી કામ તેમનાં બીજાં કાર્યો સાથે મહત્ત્વનું છે.
ર. ના. મહેતા
પ્રિયબાળાબહેન શાહ