ગેન્ઝેલ રાઈનહાર્ડ (Genzel Reinhard)

February, 2011

ગેન્ઝેલ, રાઈનહાર્ડ (Genzel, Reinhard) (જ. 24 માર્ચ 1952, જર્મની) : આપણી આકાશગંગાના કેન્દ્રમાં અત્યંત દળદાર તથા સઘન વસ્તુ(પદાર્થ)ની શોધ માટે 2020નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક અર્ધભાગ રાઈનહાર્ડ ગેન્ઝેલ અને આન્ડ્રિયા ગેઝને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો અને બીજો અર્ધભાગ રૉજર પેનરોઝને પ્રાપ્ત થયો હતો.

રાઈનહાર્ડ ગેન્ઝેલ

રાઈનહાર્ડ ગેન્ઝેલ જર્મન ખગોળશાસ્ત્રી છે. તેમના પિતા ઘન-અવસ્થા (solid state) ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. રાઈનહાર્ડ ગેન્ઝેલે યુનિવર્સિટી ઑવ્ ફ્રાઈબર્ગ તથા યુનિવર્સિટી ઑવ્ બૉનમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરી 1978માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1981માં તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. 1986માં તેમણે જર્મનીમાં મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર એકસ્ટ્રાટેરેસ્ટ્રિયલ ફિઝિક્સના નિર્દેશકનું પદ સંભાળ્યું. 1999માં તેઓ બર્કલી (યુનિવર્સિટી ઑવ્  કૅલિફૉર્નિયા) પાછા ફર્યા અને પ્રાધ્યાપક તરીકે જોડાયા.

તેમની રુચિનો વિષય મુખ્યત્વે પ્રાયોગિક ખગોળશાસ્ત્ર છે. આકાશગંગાઓની ઉત્ક્રાંતિ તથા તેમના કેન્દ્રમાં ચાલતી ભૌતિક પ્રક્રિયાઓનો તેઓ અભ્યાસ કરે છે. તે માટે તેમણે સંવેદનશીલ ઉપકરણો વિકસાવ્યાં છે. 1992માં ચિલીમાં તેમણે આકાશગંગાના કેન્દ્રનો અભ્યાસ શરૂ કર્યો. કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા તારાઓની કક્ષાની ગતિનો અભ્યાસ કર્યો અને એવા તારણ પર આવ્યા કે આ કેન્દ્રમાં અત્યંત દળદાર પદાર્થ (દ્રવ્ય) રહેલો છે. વધુ સંશોધનો અને અભ્યાસ બાદ તેઓએ નિશ્ચિત રૂપે દર્શાવ્યું કે આ દળદાર પદાર્થ સૂર્ય કરતા 40 લાખગણો વધુ વજનદાર છે અને તેને અત્યંત દળદાર બ્લૅક હોલ (શ્યામ ગર્ત) તરીકે ઓળખવામાં આવ્યો.

1985માં તેમને ‘ફેલો ઑવ્ અમેરિકન ફિઝિકલ સોસાયટી’ તરીકેનું બહુમાન મળ્યું. તેમને આલ્બર્ટ આઇન્સ્ટાઇન ચંદ્રક, ગૅલિલિયો ઇનામ, ઑટો હાન ચંદ્રક વગેરે અનેક ચંદ્રકો તથા ઇનામો પ્રાપ્ત થયાં છે. 2012માં તેઓ લંડનની રૉયલ સોસાયટીના સભ્ય તરીકે સન્માનિત થયા. હાલમાં તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી તથા મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિક્સ, જર્મનીમાં સંશોધનોમાં કાર્યરત છે.

પૂરવી ઝવેરી