ઍઝો સંયોજનો : ઍઝો સમૂહ (−N = N−) ધરાવતાં કાર્બનિક સંયોજનો. સામાન્ય સૂત્ર R − N = N − R. અહીં R અને R બંને ઍલિફૅટિક/ઍરોમૅટિક સમૂહો હોઈ શકે છે. ઍલિફૅટિક સંયોજનો અસ્થિર હોય છે, જ્યારે ઍરોમૅટિક સંયોજનો સ્થિર હોય છે. આ સમૂહ રંગમૂલક (chromophore) હોવાથી તેની હાજરીથી પદાર્થ વર્ણપટના ર્દશ્ય ભાગમાં પ્રકાશનું અવશોષણ કરે છે અને તેથી તે રંગીન હોય છે. આ પદાર્થમાં જો રંગવર્ધક (auxochrome) સમૂહો (દા.ત., −OH, −NH2, −SO3H વગેરે) હોય તો તે પદાર્થ રંગક (dye) તરીકેના ગુણો (કાપડના રેસાઓ સાથે ચીટકી રહેવાના ગુણો) ધરાવે છે.

ડાયેઝોનિયમ ક્ષારના ફીનૉલ કે ઍમીન સાથેના યુગ્મનથી ઍઝો સંયોજનો મળે છે. યુગ્મન ઓર્થો/પેરા-સ્થાનમાં થાય છે.

PhN2Cl + PhOH → C6H5N = N–C6H4OH (−p)

બેન્ઝીન-     ફીનોલ                  બેન્ઝીનઍઝોફીનૉલ

ડાયેઝોનિયમ

ક્લૉરાઇડ

ઍઝો સમૂહનું અપચયન (reduction) કરતાં એમીનો સંયોજનો મળે છે.

(−N = N−) સમૂહયુક્ત ઍલિફૅટિક સંયોજનોનું વિઘટન થતાં મુક્ત-મૂલકો (free radicals) મળે છે, જે બહુલીકરણ (polymerisation) પ્રક્રિયામાં અગત્યના પ્રારંભક (initiator) બને છે. દા.ત., ઍઝોબિસ-આઇસોબ્યુટિરોનાઇટ્રાઇલ, સાયાનોપ્રોપાઇલ મૂલક આપે છે.

CN(CH3)2C−N = N−C(CH3)2CN → 2(CH3)2CCN + N2

‘ડાયેઝો સંયોજનો’ શિથિલ શબ્દપ્રયોગ છે જેમાં ડાયેઝોઆલ્કેન, (દા.ત., ડાયેઝોમિથેન (CH2N2), ડાયેઝોનિયમ ક્ષારો તથા ઍઝો સંયોજનોનો સમાવેશ થાય છે.

પ્રહલાદ બે. પટેલ