આર. ગણેશ (જ. 4 ડિસેમ્બર 1962, કોલાર, કર્ણાટક) : અવધાન કલાના અભ્યાસી, બહુભાષી, સંસ્કૃત અને કન્નડ ભાષાના લેખક. પૂરું નામ શતાવધાની ડૉ. આર. ગણેશ.
બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ગણેશનાં માતા કે. વી. અલ્મેલ્લામ્મા અને પિતા આર. શંકર નારાયણ અય્યર. તેમના પૂર્વજો દેવરાયાસમુદ્રમના વતની હતા. ગણેશનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બૅંગાલુરુમાં થયું. નાનપણથી જ ગણેશને સાહિત્યમાં રુચિ હતી. માતાપિતાનાં પ્રોત્સાહનથી દસ વર્ષની ઉંમરે સંસ્કૃત અને કન્નડ ભાષાના પ્રાચીન કવિઓની મહાન કૃતિઓને તેમણે આત્મસાત્ કરી.
તેઓ શાળાના અભ્યાસ દરમિયાન અંગ્રેજી શીખ્યા અને પછીથી તેમણે પ્રાકૃત, પાલિ, તમિલ, હિન્દી, મરાઠી, ગ્રીક, લૅટિન અને ઇટાલિયન જેવી ઘણી ભાષાઓ શીખી. સતત વાંચન અને અભ્યાસ થકી તેઓ સોળ વર્ષની ઉંમરે કવિતા લખતા થયા. તેમની શૈલીમાં છંદ, વ્યાકરણની ચોકસાઈ અને પરંપરાગત શાસ્ત્રીયતા દૃઢ થયેલી જોવા મળતી. તેઓ ‘આશુકવિત્વ’ એટલે કે કોઈ પણ વિષય પર ઢગલાબંધ કવિતાઓ રચી શકવાની કળામાં કુશળ થયા. ભારતીય સાહિત્ય, કલા અને કાવ્યશાસ્ત્રની વિવિધ શાખાઓના વિગતવાર અને ઊંડાણપૂર્વકના અભ્યાસથી તેમની પ્રતિભા સમૃદ્ધ થઈ.
તેઓ મિકૅનિકલ એન્જિનિયરિંગ(વિશ્વેશ્વરૈયા એન્જિનિયરિંગ કૉલેજ)ના સ્નાતક થવા સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ(બૅંગાલુરુ)માંથી સામગ્રીશાસ્ત્ર અને ધાતુશાસ્ત્રમાં અનુસ્નાતક થયા. તેઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. થયા છે. કન્નડમાં ડિ.લિટ્.ની ઉપાધિ તેમને હમ્પી યુનિવર્સિટીમાંથી તેમના ‘અવધાન કળા’ વિશે લખેલાં મહાનિબંધ માટે એનાયત થઈ હતી.
1981માં ઓગણીસ વર્ષની ઉંમરે તેઓ સંસ્કૃત અવધાન(કાગળ કે કલમની મદદ વગર કાવ્યાત્મક, ગાણિતિક કે કોઈ પણ પ્રકારના બૌદ્ધિક પ્રશ્નોના ઉકેલ આપવા)ના એક સત્રના સાક્ષી બન્યા, જેણે તેમને પોતે આ કલા અજમાવવા પ્રેરણા આપી. આ સત્રનું સાક્ષીત્વ તેમના જીવનમાં જ નહીં પણ ‘અવધાન’ના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની રહ્યું. બીજા જ દિવસે મિત્રો સમક્ષ તેમણે અવધાનનો પ્રયાસ કર્યો, જે સફળતાને વર્યો. તેમણે 1981થી 1987ની વચ્ચે 13 અષ્ટાવધાન કર્યાં, જેને કલા અને સાહિત્યના પ્રેમીઓએ ખૂબ વધાવ્યાં.
ડૉ. ગણેશનું પહેલું જાહેર અવધાન કોલાર ખાતે યોજાયેલ અને યોગાનુયોગ સોમું અને બસોમું અવધાન પણ ત્યાં જ યોજાયું. અત્યાર સુધીમાં તેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રતિષ્ઠિત મંચ પર 1300થી વધુ અષ્ટાવધાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં છે. અવધાનમાં અશક્ય લાગતી ચિત્રકાવ્યની રજૂઆત તેમણે શક્ય કરી બતાવી અને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. કર્ણાટકની પારંપરિક શાસ્ત્રીય નૃત્યકળા ‘યક્ષગાન’ને નવા રૂપરંગ સાથે રજૂ કરી. તેમણે અમેરિકન અને યુરોપિયન દેશોમાં 20થી વધુ અવધાન પ્રદર્શન દ્વારા ભારતીય પ્રતિભાનો આસ્વાદ કરાવ્યો છે.
તેમનું પહેલું શતાવધાન 15 ડિસેમ્બર, 1991માં ભારતીય વિદ્યાભવન, બૅંગાલુરુ ખાતે યોજાયું. 1992 અને 1993ના અન્ય સફળ શતાવધાનો પછી પાંચમું શતાવધાન 2012માં સંપૂર્ણપણે કન્નડમાં થયું.
કારગીલ શહીદો માટે તેમણે રજૂ કરેલું ‘રાષ્ટ્રવધાન’ એક અદભુત શ્રદ્ધાંજલી હતી, જે નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાવી ગયું. તેઓ નૃત્ય, સંગીત, કલા, સંસ્કૃતિ, સાહિત્ય, કાવ્યશાસ્ત્ર વગેરે પર જાહેર પ્રવચનો આપે છે. માત્ર પ્રવચનો જ નહીં, તે નાનકડા જૂથમાં બૌદ્ધિક વર્ગના લોકો સાથે અધ્યયન મંડળીઓનું સંચાલન કરે છે.
વિવિધ વિષયો પરના તેમના કન્નડ ભાષામાં 15,000 કલાકોથી વધારે વ્યાખ્યાનો યૂટ્યૂબ પર ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. સંસ્કૃત સાહિત્યમાં નવી શૈલીઓ દાખલ કરવાનો શ્રેય તેમને આપવામાં આવ્યો છે. ડૉ. ગણેશે 70થી વધુ પુસ્તકો લખ્યાં છે.
ડૉ. ગણેશ માટે અવધાન ક્યારેય માત્ર એક વ્યવસાય કે જુસ્સો નહીં, એક પવિત્ર સાધના રહી છે. તેમને વર્ષ 2026માં ભારત સરકાર તરફથી સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ પદ્મભૂષણ, કર્ણાટક સરકારનો રાજ્યોત્સવ પ્રશસ્તિ (1992) અને રાષ્ટ્રપતિ તરફથી બાદરાયણ વ્યાસ પુરસ્કાર (2003) મળેલા છે.
બીજલ બુટાલા
