આર. કે. ફિલ્મ્સ

January, 2002

આર. કે. ફિલ્મ્સ : ભારતીય ચલચિત્રનિર્માતા, નિર્દેશક તથા અભિનેતા રાજ કપૂર દ્વારા સ્થાપિત ચિત્રપટનિર્માણસંસ્થા. સ્થળ : આર. કે. સ્ટુડિયોઝ, ચેમ્બુર, મુંબઈ. વીસમી સદીના પાંચમા દાયકામાં આ સંસ્થાએ ચલચિત્રનિર્મિતિનું કાર્ય શરૂ કર્યું હતું. ‘આગ’ (1948) તેનું પ્રથમ સોપાન હતું. તે ઉપરાંત આ સંસ્થાને ઉપક્રમે ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’, ‘જિસ દેસ મેં ગંગા બહતી હૈ’, ‘જાગતે રહો’,  ‘બૂટપૉલિશ’, ‘સંગમ’, ‘મેરા નામ જોકર’, ‘બૉબી’, ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’, ‘પ્રેમરોગ’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘હિના’ જેવાં 18 ચલચિત્રોનું નિર્માણ થયું હતું. ‘આવારા’, ‘શ્રી 420’ તથા ‘જાગતે રહો’ જેવાં ચલચિત્રોએ તો આંતરરાષ્ટ્રીય ફલક પર લોકપ્રિયતા સંપાદન કરી હતી. 1957માં ચેકોસ્લોવૅકિયામાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવમાં આ સંસ્થાના કથાચિત્રને ‘ગ્રાં. પ્રી’ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Chembur r.k. studio2

આર. કે. સ્ટુડિયોઝ, ચેમ્બુર, મુંબઈ

સૌ. "Chembur r.k. studio2" | CC BY-SA 3.0

આ સંસ્થાએ ચલચિત્રજગતને રાજ કપૂર અને નરગિસ જેવાં ઉત્તમ કલાકારો, શૈલેન્દ્ર જેવા ગીતકારો, શંકર-જયકિશન જેવા સંગીત-નિર્દેશકો તથા મૂકેશ જેવા પાર્શ્વગાયકો આપ્યા છે.

સંસ્થાના સ્થાપક અને સંચાલક રાજ કપૂરને ચલચિત્રસૃષ્ટિમાં તેમના વિશિષ્ટ, વૈવિધ્યપૂર્ણ અને પ્રદીર્ઘ પ્રદાન માટે 1987 નો દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે