ગુહા, રામચંદ્ર (જ. 29 એપ્રિલ 1958, દહેરાદૂન) : ભારતના અગ્રણી ઇતિહાસકાર, લેખક, વિચારક, પર્યાવરણવિદ તથા બુદ્ધિજીવી.
આધુનિક ભારતના ઇતિહાસ, સમાજ, પર્યાવરણ અને ક્રિકેટ વિશેના તેમના ઊંડા અભ્યાસને કારણે તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમના વિદ્વત્તાપૂર્ણ યોગદાન બદલ 2009માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પિતા સુબ્રમણ્યમ્ રામદાસ ગુહા ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત હતા. માતા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષિકા હતાં. બાળપણથી જ વાંચન અને લેખન પ્રત્યે તેમનો વિશેષ ઝુકાવ હતો. રામચંદ્ર ગુહાએ દહેરાદૂનની કેમ્બ્રિયન હૉલ અને પ્રખ્યાત દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક અને દિલ્હી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, કલકત્તામાંથી સમાજશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેમના સંશોધનનો વિષય ઉત્તરાખંડના ચિપકો આંદોલન અને જંગલોના સામાજિક ઇતિહાસ સાથે સંકળાયેલો હતો.
રામચંદ્ર ગુહાએ ઇતિહાસ, પર્યાવરણ, રાજકારણ અને ક્રિકેટ જેવા વિવિધ વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમની પ્રથમ મહત્ત્વપૂર્ણ કૃતિ ‘ધ અનક્વાયેટ વુડ્ઝ હતી. જેમાં હિમાલય પ્રદેશના પર્યાવરણ અને ગ્રામ્ય સમાજ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમનું ક્રિકેટના ઇતિહાસ પરનું પુસ્તક ‘એ કૉર્નર ઑફ અ ફૉરેન ફિલ્ડ’ ખૂબ જ લોકપ્રિય બન્યું અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અને પ્રશંસા મળી.
તેમની સૌથી જાણીતી કૃતિ ‘ઇન્ડિયા આફટર ગાંધી’ છે. જેમાં 1947 પછીના ભારતના રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસનો વ્યાપક ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. આ પુસ્તકને વિદ્વાનો અને સામાન્ય વાચકો બંને તરફથી ખૂબ જ પ્રશંસા મળી છે. 2011માં તેને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. આ પુસ્તક ભારતના સ્વાતંત્ર્ય પછીના ઇતિહાસને સમજવા માટેનો મહત્ત્વનો સંદર્ભ ગ્રંથ માનવામાં આવે છે. મહાત્મા ગાંધીના જીવન પર લખાયેલ તેમના બે મહત્ત્વપૂર્ણ ગ્રંથો ‘ગાંધી બિફોર ઇન્ડિયા’ અને ‘ગાંધી : ધ યર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ’ સંશોધન અને તથ્યોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આ બંને ગ્રંથો ગાંધીજીના જીવન અને તેમના વિચારોને સમજવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે.
રામચંદ્ર ગુહા માત્ર લેખક જ નહીં પણ જાણીતા કટાર લેખક અને જાહેર વિચારક પણ છે. તેમણે ભારત ઉપરાંત યેલ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અધ્યયન કાર્ય કર્યું છે. તેઓ વિવિધ અખબારો અને સામયિકોમાં નિયનિતપણે લખતા રહ્યા છે.
2011માં મળેલ સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત 2019માં તેમને અમેરિકન હિસ્ટોરિકલ ઍસોસિયેશનનો ‘ઑનરરી ફૉરેન મેમ્બર’ ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.
રામચંદ્ર ગુહાનું જીવન જ્ઞાન, સંશોધન અને સ્વતંત્ર વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ છે. ઇતિહાસને સરળ ભાષામાં રજૂ કરવાની તેમની શૈલી અને તથ્યો પ્રત્યેની નિષ્ઠાએ તેમને ભારતના સૌથી પ્રતિષ્ઠિત લેખકો અને ઇતિહાસકારોમાં સ્થાન અપાવ્યું છે.
હિના શુક્લ
