ગુંડપ્પા ડી. વી. (જ. 17 માર્ચ 1889, કુડબાગિલ, કોલાર, કર્ણાટક; અ. 7 ઑક્ટોબર 1975, બેંગાલુરુ) : કન્નડ લેખક. કુડબાગિલમાં જ મૅટ્રિક સુધી ભણ્યા. દેવન હલ્લી વેંકટ રામૈયા અને અલામેલમ્માનો પુત્ર. ઉચ્ચ શિક્ષણ લઈ શકેલા નહિ, પણ સ્વપ્રયત્ને કન્નડ, સંસ્કૃત તથા અંગ્રેજીનું સારું જ્ઞાન મેળવી લીધેલું. શરૂઆતમાં ‘સૂર્યોદય પત્રિકા’ સાપ્તાહિકમાં જોડાયા. ત્યાં જ પત્રકારત્વનો સારો અનુભવ મેળવી જાતે જ ‘બેંગલોર પત્રિકા’ નામનું દૈનિક શરૂ કર્યું, જે એક વર્ષ સુધી ચાલ્યું. તે પછી ‘ગોખલે સાર્વજનિક સંસ્થા’ના સ્થાપક સેક્રેટરી તરીકે લોકસેવા કરવા માંડી.

એમણે કવિતા, રેખાચિત્રો, જીવનચરિત્રો, સાહિત્યવિવેચન, એમ વિવિધ ક્ષેત્રોમાં લખ્યું છે. બધાં મળીને એમનાં સાઠ પુસ્તકો છે. એમાં ‘મંકુટિમન્નકાગા’ (1943), ‘નિવેદના’ (1924), ‘વસંત કુસુમાંજલિ’-(1944)માં પુનર્જાગૃતિ કાળના વિષયોને સ્પર્શતાં કાવ્યો તથા મંદિરોમાં ગાઈ શકાય એવાં ભક્તિગીતો તેમજ કન્નડ કવિતાના લગભગ બધા છંદમાં લખેલાં મુક્તકો છે. ‘ગીત શાકુંતલ’માં ‘અભિજ્ઞાન શાકુંતલ’ને ગીતનાટ્યના રૂપમાં રજૂ કર્યું છે. ઉમર ખય્યામની ‘રુબાયત’નો પણ એમણે અનુવાદ કર્યો છે. ‘ગોપાલ કૃષ્ણ ગોખલે’ (1915) તથા ‘રંગચારલુ’ (1911) જીવનચરિત્રોના ગ્રંથો છે. એમણે લખેલાં રેખાચિત્રો આઠ ભાગમાં પ્રસિદ્ધ થયાં છે. ‘જીવનસૌંદર્ય મટ્ટ સાહિત્ય’(1932), ‘સાહિત્યશક્તિ’ (1950), ‘સંસ્કૃતિ’ (1953) સાહિત્યવિવેચનાના ગ્રંથો છે. ભગવદગીતા પરનું તેમનું ભાષ્ય ‘જીવનધર્મયોગ’ (1967) સાહિત્ય અકાદમીના પુરસ્કાર (1967) માટે પસંદ કરાયું હતું.

બેંગાલુરુમાં તેમણે સર્વોદય પ્રકાશિકી અઠવાડિક અને સ્વત: ભારતી દૈનિકમાં કામ કર્યું (1907). ‘મૈસૂર ટાઇમ્સ’ અને ‘કર્ણાટક’ના તે સહસંપાદક રહ્યા. તેઓ બેંગાલુરુની મ્યુનિ. કાઉન્સિલના સભ્ય સર એમ. વિશ્વેસરૈયાના સેક્રેટરી, મૈસૂર યુનિ. સેનેટના સભ્ય, મૈસૂર સ્ટેટ જર્નાલિસ્ટ કૉન્ફરસના પ્રમુખ, 18મી કન્નડ સાહિત્ય સંમેલનના પ્રમુખ, કન્નડ સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ, મૈસૂર યુનિ. ઇંગ્લિશકન્નડ ડિક્શનરીની સંપાદકીય સમિતિના સભ્ય, કર્ણાટક સંઘ સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનના પ્રમુખ રહ્યા. એ બે વાર કર્ણાટક સાહિત્ય પરિષદના પ્રમુખ ચૂંટાયા હતા. તેમની સાહિત્યસેવા માટે મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને 1961માં ડી.લિટ.ની માનાર્હ પદવી આપી હતી તથા ભારત સરકારે 1974માં તેમને પદ્મભૂષણનો ઇલકાબ આપ્યો હતો.

ચન્દ્રકાન્ત મહેતા