ખાન (ઉસ્તાદ) સુલતાન (જ. 15 એપ્રિલ, 1940; અ. 27 નવેમ્બર, 2011) : સારંગીમાં પ્રાણ ફૂંકીને બોલતી કરનાર અદ્ભુત સારંગીવાદક. રાજસ્થાનના સિકર જિલ્લામાં જન્મેલા સુલતાન ખાને નાનપણમાં પિતા શ્રી ગુલાબ ખાન પાસે સારંગી શીખવાનું શરૂ કર્યું. તેમના કાકા, પ્રસિદ્ધ સારંગીવાદક અઝીમ ખાન પાસે પણ તેઓ કેળવાયા. માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમણે પ્રથમ વાર અખિલ ભારતીય સંગીત પરિષદ ખાતે કાર્યક્રમ આપ્યો હતો.

સારંગી પર ગમક લેવાની તેમની કુશળતા અને મુખ્ય સ્વરની આસપાસ અન્ય સ્વરોની વર્તુળાકાર રજૂઆતમા ઉસ્તાદ આમીર ખાનની ગાયકીની ઝલક દેખાઈ આવતી. સિકર ઘરાનાની શૈલીમાં આંગળીઓનો ઉપયોગ ઓછો અને હાથનાં બાવડાંઓની ગતિ પર જ જોર આપવામાં આવતું.

1960મા 20 વર્ષની વયે તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન, રાજકોટ ખાતે સારંગીવાદક તરીકે જોડાયા અને તેમની કારકિર્દીની શરૂઆત થઈ. રાજકોટ ખાતેના આઠ વર્ષ દરમ્યાન તેમને શ્રી લતા મંગેશકર સાથે સારંગીની સંગત કરવાની તક મળી. આ તકે તેમના જીવનને અને કારકિર્દી અંગે તેમણે જોયેલાં સપનાંઓને એક અલગ જ વળાંક પર લાવીને મૂકી દીધાં. તેમની બદલી મુંબઈ રેડિયોમાં થઈ અને તેમને મુંબઈના શાસ્ત્રીય સંગીત શિક્ષણવિદો તેમજ ફિલ્મી સંગીત સાથે સંકળાવાનો મોકો મળ્યો. આર. ડી. બર્મન સાથે તેમણે સારંગીની સંગત કરી. તેમના સદ્નસીબે તેમને ઉસ્તાદ આમીર ખાં, બડે ગુલામ અલી ખાં, પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ નજાકત અને સલામત અલી ખાં (પાકિસ્તાન),  કિશોરી આમોનકર, ઝાકીર હુસૈન જેવા અનેક દિગ્ગજ કલાકારો સાથે સંગત કરવાની તક મળી. સિતારવાદક રવિશંકર અને તબલાવાદક અલ્લારખા સાથે તેમણે શાસ્ત્રીય સંગીતના અનેક કાર્યક્રમો કર્યા. માત્ર સારંગીવાદક જ નહીં, પણ સુશિક્ષિત શાસ્ત્રીય ગાયક તરીકે પણ તેમણે ઓળખ બનાવી.

તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યા, જેમાં રામ ગોપાલ વર્મા અને સુક્ષીંદર શીંડા જેવા ફિલ્મનિર્માતાઓ અને વિશાલ ભારદ્વાજ, ગુરદાસ માન, ઇલિયારાજા, આનંદ વ્યાસ, વિનોદ પવાર જેવા સંગીતકારોનો સમાવેશ થાય છે.

1982મા ઑસ્કાર વિજેતા ફિલ્મ ‘ગાંધી’માં તેમના સંગીતની નોંધ લેવામાં આવી. આ ફિલ્મમાં ગાંધીજ઼ીના અંતિમસંસ્કારનાં દૃશ્યો તે સમયનું તેમનું સારંગીવાદન દુઃખદ બનાવને અદ્ભુત વાચા આપતું હતું. હોલિવુડ ફિલ્મ ‘હિટ ઍન્ડ ડસ્ટ’( 1983) સિવાય શ્રી ઝાકીર હુસેન સાથે ‘ઇન કસ્ટડી’(1993) માટે તેમણે સુમધુર ધૂનો બનાવી.

1993માં તેમણે ઇંગ્લૅન્ડના House of Commonsમાં જાણીતી હસ્તીઓ સમક્ષ અલ્લારખા અને ઝાકીર હુસેન સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતો કાર્યક્રમ આપ્યો અને એ પછી તેઓ BBC રેડિયો, લંડનના નિયમિત કલાકાર બન્યા. London calling (1997) નામની દસ્તાવેજી ફિલ્મમાં સંગીત આપ્યું.

Sanity and gravity (1998) આલબમમાં તેમનુ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું.

ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’(1999)નું ખૂબ વખણાયેલુ ગીત ‘અલબેલા સજન આયો‘ તેમણે જ ગાયું હતું. એ પછી તો તેમણે ‘જબ વી મેટ’, ‘કચ્ચે ધાગે’, ‘મકબૂલ’, ‘અગ્નિવર્ષા’ જેવી અનેક ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે કામ કર્યું.

1998માં વ્હાઇટ હાઉસ( વૉશિંગ્ટન)માં તેમણે સૂફી સંગીત સમારોહમાં ખૂબ કર્ણપ્રિય કાર્યક્રમ આપ્યો હતો. 2000માં તેમના કે. એસ. ચિત્રા સાથે ગાયેલ ‘પિયા બસંતી’ આલબમે ખૂબ ધૂમ મચાવી. આ શીર્ષકગીત આંતરરાષ્ટ્રીય સ્તરે દર્શકોની પસંદગી પામ્યું. આ આલબમને MTV મ્યુઝિક ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમના અન્ય આલબમોમાં સુલતાન ખાન ઍન્ડ ફ્રૅન્ડ્ઝ, ભૂમિ, પુકાર(નુસરત ફતેહ અલી ખાં સાથે)વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ઝાકીર હુસેન અને બિલ લાસ્વેલ સાથે મળીને ‘Tabla beat science’; ફ્યૂઝન ગ્રૂપની સ્થાપના કરી. ઘણા બધા સંગીત ઍવૉર્ડથી સન્માનિત આ કલાકારને 1992માં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ અને 2010માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો.

બિજલ બુટાલા