યાગી, ઓમર એમ. (Yaghi, Omar M.) (જ. 1 ફ્રેબ્રુઆરી 1965, અમ્માન, જૉર્ડન) : ધાતુ-કાર્બનિક (metal–organic) માળખાના વિકાસ માટે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને રિચર્ડ રૉબસન અને સુસુમા કિટાગાવા સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.
તેમનો જન્મ પૅલેસ્ટિનિયન નિરાશ્રિત કુટુંબમાં થયો હતો. તેઓ અત્યંત નાના ઘરમાં અનેક બાળકો સાથે મોટા થયા, જ્યાં ચોખ્ખું પાણી પણ મુશ્કેલીથી મળતું. 15 વર્ષની વયે તેમના પિતાના કહેવાથી તેઓ અમેરિકા ગયા અને હડસન વૅલી કમ્યુનિટી કૉલેજમાં ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ કર્યો (1983). તે પછી 1985માં તેમણે સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક, અલ્બાનીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી. 1990માં તેમણે વૉલ્ટર જી. ક્લેમ્પરરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉય, અર્બાના-શેમ્પેનમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1900થી 1992 દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં નૅશનલ સાયન્સ ફાઉન્ડેશનના પોસ્ટ-ડૉક્ટરલ ફેલો તરીકે કામ કર્યું.
યાગી રેટિક્યુલર (જાળીદાર, નેટવર્કયુક્ત) રસાયણશાસ્ત્રના અગ્રણી છે, જેમાં આણ્વિક બંધારણીય ઘટકોને મજબૂત બંધના ઉપયોગથી ખુલ્લા, સ્ફટિકમય માળખામાં જોડવામાં આવે છે. તેમનું સૌથી મહત્ત્વનું પ્રદાન ધાતુ-કાર્બનિક માળખાંઓ (Metal–Organic Framewor – MOFs)ની રચના અને સંશ્લેષણ છે, જે સંકલન પૉલિમર ક્ષેત્રનો ભાગ છે.
2005માં તેમણે સહસંયોજક કાર્બનિક માળખાંઓ (Covalent Organic Frameworks – COF) પર અત્યંત મહત્ત્વપૂર્ણ અને પાયારૂપ સંશોધનલેખ પ્રકાશિત કર્યો, જે દ્વિ-પારિમાણિક COFની રચના પર હતો અને સૌપ્રથમ 2007માં તેમના સંશોધનજૂથે ત્રિ-પારિમાણિક COFની રચના કરી.
ઓમર એમ. યાગીને સંખ્યાબંધ પુરસ્કારો મળેલા છે, જેમાં 2017માં આલ્બર્ટ આઇન્સ્ટાઇન વર્લ્ડ ઍવૉર્ડ ફોર સાયન્સ, 2018માં વુલ્ફ પ્રાઇઝ (રસાયણશાસ્ત્ર), 2019માં ગ્રેગરી ઍમિનૉફ પ્રાઇઝ, 2022માં વિનફ્યુચર પ્રાઇઝ અને 2024માં સાયન્સ ફોર ધ ફ્યુચર – અર્નેસ્ટ સૉલ્વે પ્રાઇઝનો સમાવેશ થાય છે.
પૂરવી ઝવેરી
