પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી.

મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું.

તેમનું મૂળ વતન પુણે જિલ્લાના બારામતી તાલુકાનું કાટેવાડી ગામ હતું. તેમનું મૅટ્રિક સુધીનું શિક્ષણ દેવળાલી(પ્રવરા)માં થયું હતું. ઉચ્ચશિક્ષણ માટે મુંબઈ ગયા. કૉલેજશિક્ષણ પૂર્ણ કરી પાછા બારામતી આવ્યા.

1982માં રાજકારણમાં જોડાયા. તેઓ સહકારી ખાંડ ફૅક્ટરીના બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સમાં ચૂંટાયા. 1991માં પુણે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્કના ચૅરમૅન બન્યા અને 16 વર્ષ સુધી આ પદ પર રહી સુપેરે કાર્ય કર્યું. તેઓ 1991માં બારામતી સંસદીય વિસ્તારમાંથી પ્રથમ વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા. જોકે એ પછી એમણે એમના કાકા શરદ પવાર માટે એ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

1991માં પહેલી વાર મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા અને જીત્યા. એ પછી 1995, 1999, 2004, 2009, 2014, 2019 અને 2024ની વિધાનસભાની ચૂંટણીમાં સતત વિજયી બન્યા. તેમણે સુધાકરરાવ નાઈક, શરદ પવાર, સુશીલકુમાર શિંદે, વિલાસરાવ દેશમુખ, અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ, દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે સાથે કામ કર્યું હતું. તેમણે છ વખત નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું હતું. 2022થી 2023 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રહ્યા. 1991માં કૃષિ, બાગાયત અને ઊર્જા રાજ્યમંત્રી, 1992માં જળસંરક્ષણ, ઊર્જા અને આયોજન રાજ્યમંત્રી, 1999માં સિંચાઈ, બાગાયતમંત્રી, 2004માં સિંચાઈ, ગ્રામીણ વિકાસ, પાણીપુરવઠા અને સ્વચ્છતામંત્રી, 2004માં જળસંસાધન, પાણીપુરવઠા અને સ્વચ્છતામંત્રી, 2009માં જળસંસાધન અને ઊર્જામંત્રી બન્યા. તેઓ 2012, 2014, 2019, 2023 અને 2024માં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

2019માં નૅશનલ કૉંગ્રેસ પાર્ટી છોડીને ભાજપા સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી બન્યા, પરંતુ કલાકોમાં સરકાર ભાંગી પડી. પછી NCPમાં પાછા ફર્યા. તેમને 2023માં NCPના મોટા ભાગના ધારાસભ્યોનો ટેકો મળતાં પક્ષપ્રમુખ તેમજ ચૂંટણીપ્રતીક માટે દાવો કર્યો. 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ભારતીય ચૂંટણીપંચે અજિત પવારના પક્ષને પક્ષનું નામ અને પ્રતીક આપ્યાં. 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમના જૂથનો પરાજય થયો. 2024ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પક્ષ ત્રીજા સ્થાને આવ્યો. મહાયુતિ ગઠબંધને સરકાર બનાવી અને પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા.

તેમણે અનેક સંસ્થાઓમાં વિવિધ પદે રહીને કાર્ય કર્યું હતું. તેઓ વિદ્યાપ્રતિષ્ઠાન, બારામતીના ટ્રસ્ટી; પુણે જિલ્લા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ; મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બૅન્ક, મહારાષ્ટ્ર રાજ્ય સહકારી ખાંડ ફૅક્ટરી સંઘના ડાયરેક્ટર; પુણે જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કના અધ્યક્ષ અને મહારાષ્ટ્ર રાજ્ય કબડ્ડી સંઘ, મહારાષ્ટ્ર રાજ્ય ખોખો સંઘ તેમજ મહારાષ્ટ્ર ઑલિમ્પિક સંઘના પ્રમુખ હતા.

તેઓ આવનારી ચૂંટણીઓના પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા ત્યારે ચાર્ટર વિમાન નાશ પામતાં તેમનું અને તેમની સાથેની બીજી ચાર વ્યક્તિઓનાં મૃત્યુ થયાં. 29 જાન્યુઆરીના રોજ બારામતીમાં પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અનિલ રાવલ