પવાર, લલિતા (. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; . 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ વખણાઈ. મૂળ નામ અંબિકા. પિતા લક્ષ્મણરાવ મોતીરાવ સગૂન કાપડના વેપારી હતા. ઉછેર ઇન્દોરમાં થયો. તેને કારણે મહારાષ્ટ્રીય હોવા છતાં શુદ્ધ હિંદી બોલી શકતાં હતાં. માત્ર 12 વર્ષનાં હતાં ત્યારે આર્યન પ્રોડક્શનના માલિક નાનાસાહેબ સરપોત દારે તેમને મૂક ચિત્ર ‘પતિતોદ્ધાર’(1928)માં બાળકલાકાર તરીકે તક આપી. ‘હિંમતે મર્દ’ (1935) તેમનું પ્રથમ બોલપટ હતું. તેમાં તેમણે ગીતો પણ ગાયાં હતાં. મૂક ફિલ્મ ‘કૈલાસ’(1932)નું તેમણે નિર્માણ કર્યું હતું. તેમાં નાયિકા, તેની માતા અને ખલનાયિકાની ત્રેવડી ભૂમિકા તેમણે ભજવી હતી. આ ઉપરાંત તેમણે નિર્માણ કરેલાં ચિત્રોમાં ‘દુનિયા ક્યા હૈ’ (1938) નોંધપાત્ર છે. રશિયન લેખક લેવ તૉલ્સ્તૉયની કૃતિ ‘રિઝરેક્શન’ પરથી આ ચિત્ર બનાવાયું હતું. ખ્યાતનામ અભિનેતા માસ્ટર ભગવાનને અભિનયક્ષેત્રે લાવવાનું શ્રેય લલિતા પવારને છે. ભગવાન સાથે જ એક ચિત્રના શૂટિંગ વખતે દૃશ્યની જરૂરિયાત મુજબ ભગવાને તેમના ડાબા ગાલ પર મારેલા તમાચાને કારણે તેમની ડાબી આંખને ઈજા પહોંચી હતી, જેની અસર પછી કાયમી રહી ગઈ હતી. ડાબી આંખ ઝીણી થઈ જતાં, ચહેરો જરા કુરૂપ થઈ ગયો હતો. પરિણામે નાયિકાની ભૂમિકાઓ તેમના હાથમાંથી સરકી ગઈ અને ત્રણેક વર્ષ પછી તેઓ અભિનયક્ષેત્રે સક્રિય થયાં ત્યારે માત્ર 25 વર્ષની ઉંમરથી તેમણે ચરિત્રભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું હતું. થોડા જ સમયમાં પોતાના ચહેરાની ખામીને તેમણે ખૂબીમાં ફેરવી નાખી અને કુટિલ સ્ત્રીની ભૂમિકાઓમાં રંગ પૂરવા એ ઝીણી આંખનો તેમણે ખૂબીથી ઉપયોગ કરવા માંડ્યો. અનેક સામાજિક ફિલ્મોમાં કર્કશા સાસુની કે ખલનાયિકાની ભૂમિકાઓ ભજવવા ઉપરાંત ‘શ્રી 420’માં કેળાંવાળી બાઈ, ‘અનાડી’માં મકાન-માલિકણ ખ્રિસ્તી મહિલા, ‘જંગલી’માં કડક સિદ્ધાંતપ્રિય માતા વગેરે યાદગાર ભૂમિકાઓ તેમણે ભજવી. ‘અનાડી’માં શ્રેષ્ઠ ચરિત્ર  અભિનેત્રીનું ‘ફિલ્મફેર’ પારિતોષિક તેમને મળ્યું હતું. 1961માં લલિતા પવારને સંગીત નાટક અકાદમી પારિતોષિક અને 1996માં વી. શાંતારામ સ્મૃતિ પારિતોષિક સહિત ઘણાં પારિતોષિકો મળ્યાં હતાં.

લલિતા પવાર

લલિતા પવારે ત્રણ વાર લગ્ન કર્યાં હતાં. પ્રથમ લગ્ન નિર્માતા દિગ્દર્શક જી.  પી. પવાર સાથે કર્યું હતું. તેમના નામ સાથે પવાર અટક આ કારણે જોડાઈ હતી. બીજું લગ્ન સંગીતનિર્દેશક હનુમાનપ્રસાદ સાથે કર્યું હતું અને ત્રીજું લગ્ન નિર્માતા રાજપ્રકાશ ગુપ્તા સાથે કર્યું હતું, જે અંતિમ સમય સુધી ટકી રહ્યું હતું.

લલિતા પવારનાં કેટલાંક નોંધપાત્ર ચલચિત્રો આ પ્રમાણે છે : ‘દિલેર જિગર’ (1931), ‘નેતાજી પાલકર’ (1939), ‘અમૃત’ (1941), ‘રામશાસ્ત્રી’ (1944), ‘ગૃહસ્થી’ (1948), ‘દહેજ’ (1950), ‘અમર ભૂપાલી’ (1951), ‘છત્રપતિ શિવાજી’ (1952), ‘દાગ’ (1952), ‘મિ. ઍન્ડ મિસિસ ’55’ (1955), ‘શ્રી 420’ (1955), ‘આશા’ (1957), ‘નૌ દો ગ્યારહ’ (1957), ‘રાજતિલક’ (1958), ‘અનાડી’ (1959), ‘ગેસ્ટ હાઉસ’ (1959), ‘સુજાતા’ (1959), ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ (1960), ‘હમ દોનોં’, ‘ઝુમરૂ’, ‘જંગલી’ (1961), ‘પ્રોફેસર’ (1962), ‘બ્લફ-માસ્ટર’ (1963), ‘કોહરા’, ‘સંગમ’ (1964), ‘ખામોશી’ (1969), ‘નસીબ’ (1981) અને ‘બાઈ ચાલી સાસરિયે’ (1988).

હરસુખ થાનકી