ઍગેરિકેલ્સ : બેસિડિયોમાયસિટ્સ ગદા ફૂગ (club fungus) વર્ગની અને સામાન્ય રીતે ઝાલર ફૂગ (gill-fungus) નામથી ઓળખાતી ફૂગનું એક ગોત્ર. આ ગોત્ર 16 કુળમાં અને 4,000 જાતિમાં વહેંચાયેલું છે. Agaricaceae સૌથી જાણીતું કુળ છે. આ કુળના બીજાણુ(spores)ધારી કોષો (બેસિડિયા), ઝાલર નામથી ઓળખાતા
પાતળા પટ (sheet) પર છવાયેલા હોય છે. આર્થિક ધોરણે ઉગાડવામાં આવતા બિલાડીના ટોપ(mushrooms)નો સમાવેશ આ કુળમાં થાય છે. તેને એક દંડ (stalk) હોય છે અને તેના પર ટોપી આકારનું છત્ર (pileus) અંગ હોય છે. આ છત્રની નીચેની બાજુએ ઝાલર હોય છે. ઍગેરિકસ પ્રજાતિના સભ્યો સર્વત્ર વિપુલ સંખ્યામાં જોવા મળે છે. આ પ્રજાતિમાં આશરે 60 પ્રકારના બિલાડીના ટોપનો સમાવેશ થયેલો છે, જેમાં ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાતા વન્ય ટોપ A. campenstris અને ખેતરમાં ઉછેરવામાં આવતા A. bisporus જાણીતા છે.
Amanitaceae કુળના ઘણી જાતના ટોપ ઝેરી હોય છે. શાહી ટોપ (ink cap) નામે ઓળખાતા બિલાડીના ટોપ સમૂહમાં ઊગે છે. તેમને રસ્તાની બંને બાજુએ અથવા તો જીર્ણ થયેલા થડની નીચેની બાજુએથી ઊગેલા જોઈ શકાય છે. તેમનું છત્ર પિસ્તોલની ગોળી(bullet)ના આકારનું હોય છે. તેના બીજાણુઓ રંગે કાળા હોય છે. પરિણામે ઝાલર પણ કાળા રંગની દેખાય છે. પુખ્ત બનતાં તેના ઉપર શાહીના રંગનું પ્રવાહી છવાઈ જાય છે. મોટાભાગના શાહી ટોપ ખાદ્ય હોય છે. જોકે તેમાંના કેટલાક અલ્પાંશે ઝેરી પણ હોઈ શકે. બીજા કેટલાક ટોપ એવા હોય છે કે દારૂ (alcoholic beverage) સાથે તેમનું સેવન કરવામાં આવતાં તે સહેજ વિષમય બને છે.
Armillaria પ્રજાતિમાં આશરે 40 જેટલી જાતિઓ હોય છે, તેમાંની A. mellea ખાદ્ય છે. આ ફૂગને લીધે વૃક્ષોનાં મૂળમાં સડો પેસે છે. Pleurotus osterealus ટોપ માત્ર કુમળા હોય ત્યારે ખાદ્ય હોય છે. પછી સમય જતાં તે ચામડા જેવા સખત બની જાય છે.
મ. શિ. દૂબળે