ઍગોસ્ટિની, પિયર (Agostini, Pierre) (જ. 23 જુલાઈ 1941, ટ્યુનિસ, ટ્યુનિશિયા) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશના ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર આન લુઈલિયે તથા ફેરેન્ક ક્રાઉઝ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.

પિયર ઍગોસ્ટિનીએ 1959માં ફ્રાન્સમાં આવેલા લા ફ્લેશમાં આવેલી પ્રિટાની નૅશનલ મિલિટેર શાળામાં બાકાલૉરિયેટ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ફ્રાન્સની એક્સ-માર્સેલ યુનિવર્સિટીમાંથી 1961માં ભૌતિકશાસ્ત્રમાં બી.એડ.ની પદવી તથા 1962માં ભૌતિકશાસ્ત્રમાં જ ‘માસ્ટર ઑવ્ એડવાન્સ્ડ સ્ટડીની પદવી પ્રાપ્ત કરી અને 1968માં અહીંથી જ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી.

1969માં તેઓ પૅરિસના CEA Saclay(ફ્રેન્ચ ઑલ્ટર્નેટિવ એનર્જીસ ઍન્ડ ઍટમિક એનર્જી કમિશન)માં સંશોધક તરીકે જોડાયા. 2001માં ઍગોસ્ટિની અને તેમના સહકાર્યકર્તાઓએ અદ્યતન લેસરના ઉપયોગથી 250 ઍટોસેકન્ડનો સમયગાળો ધરાવતાં કંપનોની હારમાળાનું સર્જન કર્યું. ઍટોસેકન્ડ એટલે 1018 સેકન્ડ. અત્યંત ટૂંકાં પારજાંબલી કંપનોને અધોરક્ત પ્રકાશ (infrared radiation) સાથે જોડીને વ્યતિકરણ(interference)ની ઘટના ઉત્પન્ન કરી જેને લીધે તેઓ કંપનોની લંબાઈ તથા પુનરાવર્તન દર માપી શક્યા.

2005માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને 2018માં ‘નિવૃત્ત પ્રાધ્યાપક’ બન્યા. 1995માં ફ્રેન્ચ એકૅડેમી ઑવ્ સાયન્સીસ તરફથી તેમને ગુસ્તાવ રિબાર્ડ ઇનામ આપવામાં આવ્યું તથા 2003માં ગે–લુસાક–હમ્બોલ્ટ ઇનામ પ્રાપ્ત થયું. તેમને ડચ ફાઉન્ડેશન ફોર ફન્ડામેન્ટલ રિસર્ચ ઑન મૅટર તરફથી જૂપ લૉસ (Joop Los) ફેલોશિપ પ્રાપ્ત થઈ. 2007માં તેમને વિલિયમ એફ. મેગર્સ પુરસ્કાર વર્ણપટદર્શક તકનીકી (spectroscopy) માટે મળ્યો. હાલમાં તેઓ પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી અને નિવૃત્ત પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.

પૂરવી ઝવેરી