જૌહલ, સરદારા સિંહ (જ. 20 ઑગસ્ટ 1928, લ્યાલપુર) : ખ્યાતનામ કૃષિ અર્થશાસ્ત્રી.

સરદારા સિંહનો જન્મ એક ખેડૂત કુટુંબમાં એસ. બુટા સિંહને ત્યાં થયો હતો. હાલ લ્યાલપુર પાકિસ્તાનના ફઇસાલાબાદમાં છે. એમનું પ્રારંભિક શિક્ષણ સ્થાનિક ગામની શાળામાં થયું હતું. એમણે બી.એસસી. (કૃષિ), એમ.એસસી. (કૃષિ અર્થશાસ્ત્ર), એમ.એ. (અર્થશાસ્ત્ર) અને પીએચ.ડી.(અર્થશાસ્ત્ર)ની ડિગ્રીઓ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી પ્રાપ્ત કરી હતી. કારકિર્દીની શરૂઆત પંજાબ કૃષિ વિદ્યાલયમાં સહાયક પ્રોફેસર તરીકે શરૂ કરી હતી. આ જ વિદ્યાલયમાં 1965માં અર્થશાસ્ત્ર અને સમાજવિજ્ઞાનના પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ બન્યા હતા. સાત વ્યાવસાયિક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે અને 200 જેટલા શોધપત્રો તથા લેખો વિવિધ પત્રિકાઓમાં પ્રસિદ્ધ થયા છે.

પંજાબમાં વિદ્યુત શુલ્ક તર્કસંગત બનાવવા માટે અધિકૃત રિપોર્ટ, કૃષિનું વૈવિધ્યીકરણ કરવા, ઊપજ અને ઉત્પાદન વધારવા માટે ફસલ ઉગાડવાની પદ્ધતિમાં રચનાત્મક સામંજસ્ય સ્થાપિત કરવા, ભારતમાં ઉત્પાદનમાં વૃદ્ધિ લાવવા કૃષિક્ષેત્રમાં સુધારણા લાવવા, સાધનો વધારવા, પરામર્શ, પ્રોત્સાહન અને પુરસ્કાર પ્રણાલીના વિષયમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તર પર મહત્ત્વપૂર્ણ નીતિવિષયક યોગદાન આપ્યું. સંયુક્ત રાષ્ટ્રની કેટલીક સંસ્થાઓમાં પરામર્શક તેમજ નીતિ સંબંધી સલાહકારના રૂપે ઘણું કાર્ય કર્યું છે. પંજાબી વિશ્વવિદ્યાલય, પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી અને હરિયાણા ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં ઉપકુલપદે રહીને સેવાઓ આપી છે. તેમજ 2012માં સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ પંજાબના પ્રથમ ચાન્સેલરપદે સેવાઓ અર્પણ કરી છે. ઍગ્રિકલ્ચરલ કોસ્ટ અને પ્રાઇસીસ કમિશનમાં ચૅરમૅનપદ શોભાવ્યું છે. ભારતના ચાર પ્રધાનમંત્રીઓના આર્થિક સલાહકાર, પરિષદના સભ્ય તેમજ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઑફ ગવર્નર્સમાં ડિરેક્ટર  તરીકે કાર્ય કર્યું છે. તેમજ રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન અને નીતિ કેન્દ્રની અનુસંધાન પરિષદમાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું છે.

વ્યાવસાયિક યોગદાન અને સામાજિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષના કાર્ય માટે સન્માન કરતાં પંજાબી યુનિવર્સિટી પતિયાલાએ ડી. લિટ્., ગુરુ નાનકદેવ વિશ્વવિદ્યાલયે ‘ડૉક્ટર ઑફ સાયન્સ’, આઈ.સી.એ.આર.એ ‘પ્રોફેસર ઑફ એમિનન્સ ઇન ઇકૉનૉમિક્સ’, રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન અકાદમીએ ‘ફેલોશિપ ઑફ ધી અકાદમી’ની ઉપાધિ અર્પણ કરી છે. તેઓને ચીફ ખાલસા દીવાન એ સેંટિનરી ઍવૉર્ડ, કૉલેજ ઑફ ઍગ્રિકલ્ચરલ પી એ યૂ ને ગોલ્ડન જ્યૂબિલી આઉટસ્ટૅન્ડિંગ એલુમની ઍવૉર્ડ તથા પ્રોફેસર મોહનસિંહ ફાઉન્ડેશને મહાન પંજાબી પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

આત્મકથા ‘રંગા દી ગાગર’ (Ranga di Gagar) પંજાબી ભાષામાં લખી છે. જેનો હિન્દી અને ઉર્દૂ ભાષામાં આનુવાદ થયો છે.

પ્રો. સરદાર સિંહ જૌહલને કેટલાક ઍવૉર્ડ્સ અને માન-સન્માનો મળ્યાં છે. પંજાબ એકૅડેમી ઑફ સાયન્સીસ ઍન્ડ નૅશનલ એકૅડેમી ઑફ ઍગ્રિકલ્ચરલ સાયન્સીસના તેઓ ફેલો તરીકે ચૂંટાયા છે. ભારત સરકારે 2004માં પદ્મભૂષણ ઍવૉર્ડ અર્પણ કર્યો છે. પંજાબ યુનિવર્સિટીએ 2005માં ડી.લિટ્.ની ડિગ્રી એનાયત કરી છે. પંજાબી યુનિવર્સિટી અને ગુરુ નાનકદેવ યુનિવર્સિટીએ ‘ડૉક્ટરેટ’ની ઉપાધિ આપી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચે ‘National Proffessor of Eminence’ની ડિગ્રી અર્પણ કરી છે.

કનુભાઈ શાહ