હદીદ, ઝાહા (જ. 31 ઑક્ટોબર, 1950, બગદાદ, ઇરાક; અ. 31 માર્ચ, 2016 મિઆમી, ફ્લોરિડા, યુ.એસ.એ.) : આધુનિક સ્થાપત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનારાં વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ અને ડિઝાઇનર. ઝાહા હદીદને કલાનો વારસો તેમની માતા પાસેથી પ્રાપ્ત થયો હતો. તેમનાં માતા વઝીહા અલ સહબૂન્જી પોતે પણ કલા ક્ષેત્રે સક્રિય હતાં. ઝાહાના પિતા મોહમ્મદ હદીદ ઇરાકના જાણીતા રાજકારણી અને ઉદ્યોગપતિ હતા અને તેથી તેમણે અનેક પ્રવાસો ખેડવા પડતા. નાનકડી ઝાહા પણ તેનાં માતા-પિતા સાથે દેશ-વિદેશના પ્રવાસે જતી. પ્રવાસ દરમિયાન ઝાહા સ્થાનિક સ્થાપત્યો અને ઇમારતોની મુલાકાત લેતી અને તેની નિર્માણ શૈલીને સમજવાનો પ્રયાસ કરતી. બાળપણમાં અનાયાસે કેળવાયેલી આ રુચિ આગળ જતાં ઝાહાને આ ક્ષેત્રની નામાંકિત વૈશ્વિક પ્રતિભા બનાવવામાં નિમિત્ત બની.

ઝાહા હદીદ
ઝાહાના બાળપણ દરમિયાન ઇરાકના રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક નવા આયામો સર્જાયા અને કલા-સ્થાપત્યક્ષેત્રે ઇરાકમાં કેટલાંક નોંધપાત્ર કાર્યો થયાં. આ ગાળામાં રિફત ચાદિરજી, ફ્રેન્ક લ્યોડ રાઇટ, જીયો પોન્ટી અને લા કાર્બુઝિય જેવા આધુનિક સ્થપતિઓ અને ડિઝાઇનરોને ઇરાકમાં નવીન ઇમારતોના નિર્માણ માટે આમંત્રવામાં આવ્યા. આ ગાળાનો પ્રભાવ ઝાહા પર પણ પડ્યો અને તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં જઈને શિક્ષણ મેળવ્યું. 1968થી 1971 દરમિયાન અમેરિકન યુનિવર્સિટી ઑફ બેરુતમાંથી ગણિતનો અભ્યાસ કર્યો અને 1972માં તેઓએ લંડનની અત્યંત પ્રતિષ્ઠિત આર્કિટૅક્ચર સંસ્થા ‘આર્કિટેક્ચરલ ઍસોસિયેશન સ્કૂલ ઑફ આર્કિટૅક્ચર’માંથી સ્થાપત્યનો અભ્યાસ કર્યો.
ઝાહા હદીદે તેમની ડિઝાઇનમાં પરંપરાગત સીધી રેખાઓને બદલે વળાંકવાળી(curved) રેખાઓને પ્રાધાન્ય આપ્યું. તેમની રચનાઓમાં ગતિશીલતા અને પ્રવાહિતાનો પ્રભાવ જોવા મળે છે. ગણિત સાથે વિશેષ લગાવ હોવાના કારણે ઝાહા હદીદે આધુનિક સ્થાપત્યકલામાં ગણિત, કલા અને ટૅક્નૉલૉજીનો વિશિષ્ટ સંયોગ આપ્યો. ઝાહાની શૈલી સ્થાપત્યકલા ક્ષેત્રે ‘deconstructivism’ તરીકે ઓળખાય છે, જેમાં ગતિ અને ઊર્જાનો સમન્વય જોવા મળે છે. તેમની આ આગવી શૈલીના કારણે યુ.કે.ના ‘ધ ગાર્ડિયન’ નામના પ્રસિદ્ધ અખબારે તેમને ‘Queen of the curve’ તરીકે ઓળખાવતાં લખ્યું હતું કેઃ “તેમણે સ્થાપત્યના આકારો(ભૂમિતિ)ને મુક્ત કર્યા અને તેને અભિવ્યક્તિની એક નવી જ ઓળખ આપી.”.
1980માં ઝાહાએ લંડનમાં ‘ઝાહા હદીદ આર્કિટૅક્ટ્સ’ નામે સ્થાપત્ય અને ડિઝાઇનની કંપની સ્થાપી અને વિશ્વભરમાં અનેક મહત્ત્વપૂર્ણ અને અદ્ભૂત ઇમારતો – સ્થાપત્યોનું નિર્માણ કર્યું. તેમનાં અત્યંત જાણીતાં સર્જનોમાં 2012ની ઑલિમ્પિક માટે તૈયાર કરેલ સ્વિમિંગ સ્ટેડિયમ ‘લંડન એક્વેટિક સેન્ટર (લંડન)’, ‘ગ્વાંગઝૂ ઑપેરા હાઉસ(ચીન)’, ‘બ્રૉડ આર્ટ મ્યુઝિયમ (અમેરિકા)’, ‘MAXXI Museum (રોમ)’ ‘હૈદર અલિયેવ સેન્ટર(આઝરબૈજાન)’, ‘વિટ્રા ફાયર સ્ટેશન(જર્મની)’, ‘દંગેડમેનુ ડિઝાઇન પ્લાઝા (દક્ષિણ કોરિયા)’, ‘રિવરસાઇડ મ્યુઝિયમ (સ્કૉટલૅન્ડ)’ વગેરેનો સમાવેશ થાય છે.
ઝાહા હદીદને સ્થાપત્યક્ષેત્રના અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 2004માં તેમને સ્થાપત્યક્ષેત્રના નોબેલ પુરસ્કાર તરીકે જાણીતું ‘પ્રિટ્ઝકટર આર્કિટેક્ચર પ્રાઇઝ’ પ્રાપ્ત થયું. આ પુરસ્કાર મેળવનારાં તેઓ પ્રથમ મહિલાસ્થપતિ બન્યાં. આ ઉપરાંત તેમને યુકેનો વાસ્તુકલા ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત ‘સ્ટર્લિંગ પુરસ્કાર’ બે વખત પ્રાપ્ત થયો. સ્થાપત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન આપવા બદલ 2012માં ઝાહાને બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા બ્રિટનની અત્યંત પ્રતિષ્ઠિત પદવી ‘Dame’થી સન્માનિત કરવામાં આવ્યાં. ફેબ્રુઆરી, 2016માં તેમને ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટૅક્ટ્સ’ દ્વારા રૉયલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વ્યક્તિગત સ્તરે આ સન્માન મેળવનારાં તેઓ પ્રથમ મહિલા હતાં.
માર્ચ, 2016માં બ્રોન્કાઇટિસ – શ્વાસ સંબંધિત બીમારી – ની સારવાર માટે તેમને અમેરિકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. અહીં સારવાર દરમિયાન આવેલા હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.
હેમલ જાદવ
