ગોદરેજ, અરદેશર (જ. 1868, અ. 1936, મુંબઈ) : ગોદરેજ ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક. વીસમી સદીના મહાન પારસી ઉદ્યોગપતિ. ભારતમાં તાળાં ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકનાર સ્વદેશી ઉદ્યોગપતિ. ભારતમાં તિજોરીનો પર્યાય બનેલી ગોદરેજની તિજોરીના નિર્માતા. દુનિયામાં પહેલી વાર વનસ્પતિ સાબુ બનાવીને સાબુઉદ્યોગમાં એક નવો જ ચીલો ચાતરનાર ઇનૉવેટર. વ્યક્તિગત રીતે કરકસરમાં માનતા, પરંતુ રાષ્ટ્ર માટે ઉદાર હાથે દાન કરનાર રાષ્ટ્રપ્રેમી.
પિતા બર્જોર્જી અને દાદા સોહરાબજી રિયલ એસ્ટેટમાં સંકળાયેલા હતા. માતા ડોસીબાઈ ગૃહિણી હતાં. તેમના જન્મના ત્રણ વર્ષ પછી એટલે કે 1871માં પિતાએ તેમની અટક ગૂથરેજીસમાંથી ગોદરેજ કરી હતી. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચતર શિક્ષણ મુંબઈમાં લીધું હતું. એ સમયે અન્ય યુવાનોની જેમ કાયદા શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવીને વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો. 1844માં ઝાંઝીબારમાં વકીલ સ્વરૂપે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ કાયદાકીય દાવપેંચ રમીને લોકોની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું અનુભવીને વકીલાતનો વ્યવસાય છોડવાનો સાહસિક નિર્ણય લીધો હતો.
ઝાંઝીબારથી મુંબઈમાં પુનરાગમન કરીને પોતાનો વ્યવસાય શરૂ કરવા શોધખોળ શરૂ કરી હતી. દાદાભાઈ નવરોજીના પ્રભાવમાં આવીને ભારતને ખરા અર્થમાં આઝાદી મેળવવા આત્મનિર્ભર બનવાની અને વિદેશી ચીજવસ્તુઓ પરની નિર્ભરતા દૂર કરવાની જરૂર છે એ માન્યતા સાથે સ્વદેશી આંદોલનનું સમર્થન કર્યુ હતું.
1895માં મુંબઈના ધનિક જમીનદાર મેરવાંજી કામા પાસેથી 3,000 રૂપિયાની લૉન લઈને ડૉક્ટરને સર્જરી માટે જરૂરી સાધનસામગ્રી બનાવવાનું કારખાનું સ્થાપિત કરવા પોતાનું પ્રથમ ઉદ્યોગસાહસ કર્યું હતું. કારખાનામાં છરી, ચીપિયો, સળિયો, કાતર વગેરેની બનાવટ કરી હતી. આ વ્યવસાયને જોઈએ એવી સફળતા ન મળી તેમ છતાં હિંમત હાર્યા વિના મે, 1897માં મુંબઈમાં 20 ચોરસ મીટરની રૂમમાં લૉક એટલે તાળાં બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં લૉકનું બ્રાન્ડનેમ ‘ઍન્કર’ હતું. આ વ્યવસાયને સફળતા મળી હતી. એ સમયે કંપનીનું નામ ગોદરેજ બ્રધર્સ કંપની હતું. થોડાં વર્ષ પછી તેમણે તાળાંની સલામતી વધારવા માટે સ્પ્રિંગ વિનાનાં ‘ગોર્ડિયન લૉક’ નામે તાળાંની પેટન્ટ મેળવી હતી. ગોદરેજના લૉક ઇંગ્લૅન્ડથી આયાત થતાં લૉકની સરખામણીમાં સસ્તાં, મજબૂત અને વધારે સલામત હતાં.
પછી વ્યવસાયનું વિસ્તરણ કર્યું હતું અને કંપનીનું નામ બદલીને ગોદરેજ ઍન્ડ બૉય્સ મૅન્યુફૅક્ચરિંગ કર્યું હતું. વ્યવસાયમાં અન્ય ઉત્પાદનો ઉમેરવા માટે સેફ એટલે કે તિજોરી બનાવવાની શરૂઆત કરી હતી. એક દરવાજા અને ડબલ-પ્લેટ દરવાજા ધરાવતી તિજોરીની પેટન્ટ મેળવીને અરદેશરે એ વ્યવસાયમાં પણ અસાધારણ સફળતા મેળવી હતી. કહેવાય છે કે, જ્યારે 1912માં ઇંગ્લૅન્ડની મહારાણી ભારતીય પ્રવાસે આવી હતી, ત્યારે તેમણે પણ ગોદરેજની તિજોરીનો ઉપયોગ કર્યો હતો. આ વાત દેશના પ્રસિદ્ધ અંગ્રેજી અખબાર ‘ધ હિંદુ’માં એ સમયે પ્રકાશિત થઈ હતી.
ત્યાર બાદ બાળગંગાધર ટિળકની સલાહ માનીને અરદેશરે વનસ્પતિ તેલમાંથી બનેલા દુનિયાના પ્રથમ ગોદરેજ સાબુની ભેટ ધરી હતી. આ સાબુનો પ્રચાર રવીન્દ્રનાથ ટાગોર, એની બેસન્ટ, ડૉ. એમ. એ. અન્સારી જેવા રાષ્ટ્રવાદી નેતાઓએ કર્યો હતો. આ સાબુને ગાંધીજીએ પણ માન્યતા આપી હતી.
વ્યક્તિગત રીતે કરકસરમાં માનતા અરદેશર પોતાની પાસે કાર હોવા છતાં સરકારી બસનો ઉપયોગ કરતા હતા. તેઓ બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી ન કરવામાં માનતા અને દેશવાસીઓને પણ આવું કરવાની સલાહ આપતા હતા. જોકે, જ્યારે રાષ્ટ્રની વાત આવતી, ત્યારે તેઓ ઉદાર હાથે દાન કરતા હતા. 1921માં અનુસૂચિત જાતિઓના ઉત્થાન અને દારૂનું દૂષણ ડામવા ટિળક સ્વરાજ કોષમાં એ જમાનામાં ત્રણ લાખ રૂપિયાનું દાન કર્યું હતું.
જીવનના ઉત્તરાર્ધમાં તેઓ નાશિક જઈને ખેતીવાડી કરતા હતા.
કેયૂર કોટક
