નથવાણી, પરિમલ (જ. 1 ફેબ્રુઆરી, 1956, મુંબઈ) : ગુજરાતની સાથે દેશવિદેશમાં ભારતીયો વચ્ચે રિલાયન્સનો ચહેરો, ભારતીય રાજકારણી અને ઉદ્યોગપતિ. વર્ષ 2008થી રાજ્યસભાના સાંસદ. પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સ્વ. ધીરુભાઈ અંબાણી અને તેમના પુત્ર મુકેશ અંબાણીના અતિ વિશ્વાસુ સાથીદાર તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દ્વારકા-બેટ દ્વારકાના વિકાસલક્ષી કાર્યો પછી ‘વૉઇસ ઑફ સૌરાષ્ટ્ર’ તરીકે પ્રસિદ્ધ.
ધીરજલાલ નથવાણી અને પુષ્પાબહેન નથવાણીના પુત્ર પરિમલ નથવાણીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોકળીબાઈ પૂનમચંદ પિતામ્બર હાઈસ્કૂલમાં મેળવ્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. સ્નાતક બન્યા પછી સાબુની એજન્સી શરૂ કરી હતી અને પછી સ્ટૉક માર્કેટમાં હાથ અજમાવ્યો, પરંતુ નિષ્ફળતા મળી. દરમિયાન 1980ના દાયકાનાં અંતિમ વર્ષોમાં ધીરુભાઈ અંબાણી સાથેની એક મુલાકાતે જીવનને કાયમી વળાંક આપ્યો અને કાયમ માટે રિલાયન્સ પરિવારનું અભિન્ન અંગ બનાવી દીધા.
1980ના દાયકાના અંતિમ વર્ષોમાં ધીરુભાઈ અંબાણીની ગુજરાતના જામનગરમાં દુનિયાની સૌથી મોટી ઑઇલ રિફાઇનરી સ્થાપિત કરવાની યોજનામાં પહેલી વાર રિલાયન્સ સાથે કામ કર્યું. ધીરુભાઈએ જામનગર અને તેની આસપાસ આશરે 10,000 એકર જમીન ખેડૂતો પાસેથી સંપાદન કરવાની જવાબદારી સુપરત કરી. અતિ ચુસ્ત સમયમર્યાદામાં નથવાણીએ કોઈ પણ પ્રકારના વાદવિવાદ વિના આ કામગીરી સફળતાપૂર્વક અદા કરી. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સતત પ્રગતિ કરી.
રિલાયન્સ માટે પેટ્રોલિયમ રિટેલ આઉટલેટ સ્થાપિત કરવાની, જામનગર સેઝ (વિશેષ આર્થિક ઝોન) સ્થાપિત કરવાની કામગીરી કરનાર નથવાણીએ રિલાયન્સ માટે સમગ્ર દેશમાં ગૅસ પરિવહન માટે પાઇપલાઇન નેટવર્ક સ્થાપિત કરવાની, રિલાયન્સ ઇન્ફોકોમ માટે ટેલિકૉમ નેટવર્ક ઊભું કરવાની અને રિલાયન્સની રિટેલ ચેઇન ઊભી કરવાની જવાબદારીઓ પણ સફળતાપૂર્વક અદા કરી.
કૉર્પોરેટ ક્ષેત્રમાં સફળતા મેળવ્યા પછી મુકેશ અંબાણી અને રિલાયન્સના પીઠબળ સાથે નથવાણીએ રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. વર્ષ 2008માં ઝારખંડમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાજ્યસભામાં પ્રવેશ કર્યો. વર્ષ 2014માં આ જ રાજ્યમાંથી ફરી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બે વાર ચૂંટાયા પછી એપ્રિલ, 2020માં આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા. એ માટે તેમણે વાયએસઆર કૉંગ્રેસમાં પણ પ્રવેશ કર્યો.
ક્રિકેટની સાથે પણ નથવાણીનો સંબંધ ગાઢ રહ્યો છે. વર્ષ 2010થી 2019 સુધી ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના વાઇસપ્રેસિડન્ટ તરીકે અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું પુનર્નિર્માણ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. અગાઉ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પ્રસિદ્ધ આ સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. એકવીસમી સદીના બીજા દાયકામાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના વાઇસપ્રેસિડન્ટ તરીકે તેમણે પાર્થિવ પટેલ, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરોને પીઠબળ પૂરું પાડ્યું છે.
હાલ દ્વારકા-બેટ દ્વારકાના વિકાસનો પરિમલ નથવાણી અને રિલાયન્સ પર્યાય બની ગયા છે. નથવાણી દ્વારકામાં ગોમતી ઘાટનો જીર્ણોદ્ધાર, ધીરુભાઈ અંબાણી માર્ગ, દ્વારકા પરિસર વિકાસ, દ્વારકા અને બેટદ્વારકાને જોડતા સુદામા સેતુનું નિર્માણ વગેરે વિકાસલક્ષી કાર્યોમાં મોખરે રહીને આ પવિત્ર યાત્રાધામની કાયાપલટ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે.
કેયૂર કોટક
