મલ્હોત્રા, નાદર રોશની

June, 2026

મલ્હોત્રા, નાદર રોશની (. 1982, દિલ્હી) :  ભારતીય મહિલાવ્યાવસાયિક. દેશમાં ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી ક્ષેત્રની ટોચની કંપની એચસીએલ ટૅક્નૉલૉજીસનાં ચૅરપર્સન. ભારતમાં કોઈ પણ આઇટી કંપનીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી વ્યક્તિગત રીતે દેશની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ. એચસીએલ ગ્રૂપ કંપનીઓની હોલ્ડિંગ કંપની એચસીએલ કૉર્પોરેશનનાં સીઇઓ. શિવ નાદર ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી, વામા સુંદરી ઇન્વેસ્ટમેન્ટ્સનાં ચૅરપર્સન.

એચસીએલ ટૅક્નૉલૉજીસના સ્થાપક શિવ નાદર અને સમાજસેવામાં મોખરે રહેનાર કિરણ નાદરનું એકમાત્ર સંતાન રોશની નાદરે દિલ્હીની વસંત વેલી સ્કૂલમાં પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવ્યું. અમેરિકાના ઇલિનોઇસ રાજ્યની નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી સંચારમાધ્યમોમાં સ્નાતકની પદવી મેળવી, જેમાં મુખ્યત્વે રેડિયો/ટીવી/ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યાર બાદ આ જ યુનિવર્સિટીની કેલોગ સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાંથી એમબીએની પદવી મેળવી.

એકવીસમી સદીના પ્રથમ દાયકામાં અભ્યાસ પૂર્ણ કરીને રોશનીએ સ્કાય ન્યૂઝ યુકે અને સીએનએન અમેરિકા જેવી કંપનીઓમાં ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું. એકવીસમી સદીના બીજા દાયકામાં એચસીએલમાં સામેલ થયાં અને પાયામાંથી વ્યવસાયની આંટીઘૂંટી શીખવાની શરૂઆત કરી. જુલાઈ, 2020માં એચસીએલનાં ચૅરપર્સન તરીકે નિમણૂક થઈ અને શિવ નાદરે નિવૃત્તિ જાહેર કરી. માર્ચ, 2025માં શિવ નાદરે એચસીએલ અને વામા સુંદરીમાં 47 ટકા હિસ્સો રોશનીને હસ્તાંતરિત કર્યો. પરિણામે હાલ એચસીએલ ટૅક્નૉલૉજીસ, એચસીએલ કૉર્પોરેશન સહિત ગ્રૂપની કંપનીઓ અને તમામ ટ્રસ્ટમાં મહત્તમ હિસ્સો રોશની મલ્હોત્રાનો છે. હાલ 14 ડૉલરની આવક ધરાવતી આ ટૅક્નૉલૉજી કંપની માટે તમામ વ્યૂહાત્મક નિર્ણયો રોશની મલ્હોત્રા પોતાના સલાહકારોની સાથે લે છે.

વેપારવાણિજ્યની સાથે રોશનીને સમાજસેવાનો વારસો માતાપિતા પાસેથી મળ્યો છે. હાલ શિવ નાદર ફાઉન્ડેશનના વડા તરીકે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોશની નવી પેઢીને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની ભેટ ધરવા આતુર છે, જેથી ભારતની ભવિષ્યની પેઢીનો ખરા અર્થમાં માનસિક કે બૌદ્ધિક વિકાસ થાય.

ગત દાયકામાં રોશનીને 2014માં એનડીટીવી યંગ ફિલાન્થ્રોપિસ્ટ ઑફ ધ યર અને 2017માં વોગ ઇન્ડિયા ફિલાન્થ્રોપિસ્ટ ઑફ ધ યરનું બહુમાન મળ્યું હતું, તો  2023માં ફોર્બ્સની વિશ્વમાં 100 સૌથી વધુ પાવરફૂલ મહિલાઓમાં 60મું સ્થાન મેળવ્યું અને 2025માં હુરુન ઇન્ડિયા 2025 વિમેન્સ લીડર લિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું.

ઉપરાંત, રોશનીએ શાસ્ત્રીય સંગીતકાર તરીકે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે અને વિવિધ વાદ્યયંત્રો વગાડવાનો શોખ ધરાવે છે. સાથે સાથે, દુનિયાભરનાં જંગલોમાં ફરીને પ્રકૃતિની નિકટ રહેવાનો પણ શોખ છે. પતિ શિખર મલ્હોત્રા હાલ એચસીએલ હેલ્થકેરના વાઇસચૅરમૅન છે.

કેયૂર કોટક