ખાન અબ્દુલ રાશીદ (જ. 19 ઓગસ્ટ, 1908; અ. 18 ફેબ્રુઆરી, 2016) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ ગાયક.

તાનસેન(સોળમી સદીના બાદશાહ અકબરના નવરત્નોમાંના એક)ની વંશાવલીના અબ્દુલ રાશીદ ખાનનો જન્મ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં, સંગીતકારોના કુટુંબમાં થયો હતો. તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ પિતા છોટે યુસુફ ખાન અને કાકા બડે યુસુફ ખાન પાસે લીધી. ચંદ ખાન, બરખુદાર ખાન અને માહતાબ ખાન જેવા ગુરુજનો, પરિવારના જ વડીલો પાસે તેમણે સંગીતનો સઘન અને વિસ્તૃત અભ્યાસ કર્યો અને ગ્વાલિયર ઘરાનાની ગાયકીમાં પ્રવીણ થયા. તેમણે પોતાની કલાત્મક સંવેદનશીલતા ઉમેરીને ગાયનની અલગ શૈલી વિકસાવી. ખયાલ ગાયન સિવાય તેમણે ધ્રુપદ, ધમાર અને ઠૂમરી ગાયનને એક અલગ જ ઊંચાઈ પર પહોંચાડ્યું.

ઘણા દાયકાઓ સુધી તેમણે આકાશવાણી અને દૂરદર્શન લખનઉ પર નિયમિત કાર્યક્રમો આપ્યા. તેમણે ભારતભરમાં સદારંગ સંમેલન, લખનઉ મહોત્સવ, ગોદરેજ સંમેલન, Dover Lance સંમેલન, ITC સંગીત સંમેલન, પ્રયાગ સંગીત સમિતિ વગેરે માટે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો કર્યા. તેમણે તેમના જીવનકાળ દરમિયાન 2000 કરતાં પણ વધુ રચનાઓ સ્વરબદ્ધ કરી. ‘રસન પિયા’ના ઉપનામથી તેમણે ઘણી બંદિશો લખી. તેમણે સંખ્યાબંધ શિષ્યોને તૈયાર કર્યા. ITC સંગીત રિસર્ચ અકાદમી,  કૉલકાતામાં તેઓ ગુરુપદે સ્થાપિત રહ્યા.

BBC અને Iraq રેડિયો દ્વારા તેમની ગાયેલી રચનાઓને રેકૉર્ડ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ સંગીત નાટક અકાદમી, લખનઉ અને ITC સંગીત રિસર્ચ અકાદમી, કૉલકાતા દ્વારા પણ તેમની અલભ્ય રચનાઓને રેકૉર્ડ કરીને જાળવી રાખવામાં આવી છે. તેઓ ઑલ ઇન્ડિયા રેડિયોની સ્વર પરીક્ષણ સમિતિ (audition committee), નવી દિલ્હીના સભ્ય રહ્યા.

તેઓ ઘણા પ્રતિષ્ઠિત ઍવૉર્ડથી સન્માનિત થયા છે.

ITC સંગીત રિસર્ચ અકાદમી ઍવૉર્ડ(1994), કાશી સ્વર ગંગા ઍવૉર્ડ (2003), રસ સાગર ઍવૉર્ડ (2004), સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ (2009) વગેરે. 2012મા 103 વર્ષની ઉંમરે તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવેલ, જે એકમાત્ર વરિષ્ઠ કલાકાર તરીકે અનન્ય કહી શકાય. 2013માં લાઇફ ટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ અને 2015મા પશ્ચિમ બંગાળ સરકાર તરફથી ‘બંગ બિભૂષણ’ ઍવૉર્ડ પણ એનાયત થયો હતો.

 બીજલ બુટાલા