દાસ, હિમા (જ. 9 જાન્યુઆરી 2000, ધીંગ, નગાંવ જિલ્લો, આસામ) : ભારતની યુવા દોડવીર.
આસામના એક નાનકડા ગામમાં ખેડૂત કુટુંબમાં જન્મેલ હીમા દાસ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. હિમા દાસે તેનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાં મેળવ્યું. તેને શરૂઆતથી જ રમતગમતમાં ખૂબ જ રસ હતો. તેની શાળા જવાહર નવોદય વિદ્યાલયમાં લાગેલાં ઇન્ટર સ્કુલ કૅમ્પમાં હિમા તાલીમનો સમય શરૂ થાય તે પહેલાં જ મેદાન પર પહોંચી જતી. ઘણીવાર તો તે પહોંચે ત્યારે મેદાનનો દરવાજો પણ ખૂલ્યો ન હોય. શાળાના શારીરિક શિક્ષણના શિક્ષકે હિમાની રમત પ્રત્યેની નિષ્ઠા જોઈ તેને ટૂંકી ઝડપી દોડ(sprint) સ્પર્ધામાં કારકિર્દી બનાવવાનું સૂચન કર્યું. જોકે હિમાને સૌથી વધુ રુચિ ફૂટબૉલની રમતમાં હતી, પરંતુ ફૂટબૉલની રમતમાં મહિલા ખેલાડીઓ માટે ઉજ્જવળ કારકીર્દી ન જણાતા તેમણે શિક્ષકના સુચનનો સ્વીકાર કરીને દોડ ક્ષેત્રે કારકીર્દી બનવવાનું નક્કી કર્યું.

હિમા દાસ
આસામની કોટન યુનિવર્સિટીમાંથી બી.એ. સુધીનો અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસની સમાંતર તેણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દોડની સ્પર્ધામાં ભાગ લેવાનું પણ શરૂ કર્યું. સૌપ્રથમ તેણે એપ્રિલ, 2018માં ઑસ્ટ્રેલિયામાં રમાયેલ કૉમનવેલ્થ ગેઇમ્સમાં 400 મીટરની દોડ અને 4×400 મીટરની રિલે દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યારબાદ જુલાઈ, 2018માં ફિનલૅન્ડમાં રમાયેલ 20 વર્ષથી નાની વયના ખેલાડીઓની ચૅમ્પિયન સ્પર્ધા(વર્લ્ડ અંડર- 20 ચેમ્પિયનનશીપ)માં ભાગ લીધો. અહીં તેણે 400 મીટરની દોડ 51.46 સેકન્ડમાં પૂરી કરી ભારત માટે આ ક્ષેત્રે પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો. આ જ વર્ષે એશિયન ગેઇમ્સમાં પણ 400 મીટરની દોડ માત્ર 51 સેકન્ડમાં પૂરી કરી દોડ ક્ષેત્રે નવો ભારતીય વિક્રમ સ્થાપ્યો. આ સ્પર્ધામાં તેને રજતચંદ્રક પ્રાપ્ત થયો. એટલું જ નહીં, તેણે 4 X 400 મીટરની રિલે સ્પર્ધામાં પણ ભાગ લીધો અને 3 મિનિટ અને 28.72 સેકન્ડમાં દોડ પૂરી કરી સુવર્ણચંદ્રક મેળવ્યો. એશિયન ગેઇમ્સમાં પ્રથમ વખત આયોજિત થયેલી મિક્સ્ડ-ડબલ રિલે સ્પર્ધામાં પણ હિમાએ સુવર્ણચંદ્રક મેળવ્યો.
2019માં હિમા દાસે પોલૅન્ડમાં રમાયેલી પોઝનાન ગ્રાન્ડ પ્રીક્સ સ્પર્ધામાં 200 મીટરની દોડ 23.43 સેકન્ડમાં પૂરી કરી વધુ એક વખત સુવર્ણચંદ્રક મેળવ્યો. આ વર્ષમાં તેણે અલગ અલગ પાંચ દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ભારતનું નામ રોશન કર્યું.
માત્ર પાંચ-સાત વર્ષની દોડવીર (ઍથલિટિક) તરીકેની કારકીર્દીમાં હિમાએ મેળવેલી સિદ્ધિઓને બિરદાવતાં આસામ પોલીસે ફેબ્રુઆરી, 2021માં તેને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસના પદ પર સ્પૉર્ટ્સ ક્વૉટામાં નિમણૂક કરી. રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેને 2018માં ભારત સરકાર તરફથી અર્જુન ઍવોર્ડ પ્રાપ્ત થયો.
જગદીશ શાહ
