દાસ, હરપ્રસાદ

March, 2016

દાસ, હરપ્રસાદ (જ. 1945, બાનપુર, ઓરિસા) : કવિ, વિવેચક, નવલકથાકાર અને અનુવાદક. ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની પદવી મેળવી છે. 1967માં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ; પરંતુ આઈ.એ.એસ.માં પસંદગી પામીને 1968માં ઇંડિયન ઑડિટ ઍન્ડ એકાઉન્ટ્સ સર્વિસમાં તેઓ જોડાયા.

હરપ્રસાદ દાસ

આ સંદર્ભમાં તેમણે દેશ-વિદેશમાં કેટલાક મહત્વના હોદ્દાઓ પર રહીને પોતાની કામગીરી બજાવી. હાલ તેઓ ભારત સરકારના સેન્ટ્રલ રેવન્યૂઝ ખાતાના ડિરેક્ટર જનરલના પદ પર કાર્ય કરે છે. તેઓ અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. તેમને ચિત્રકલા અને સંગીતમાં વિશેષ રસ છે. તેમની કવિતાના છ સંગ્રહો પ્રકાશિત થયા છે. તેમાં ‘આલોકિતા બનવાસ’, ‘મંત્ર-પાઠ’ ‘અને ગર્ભગૃહ’ નોંધપાત્ર છે. ‘દેશ’ તેમણે રચેલું મહાકાવ્ય છે. નવલકથા અને વિવેચનગ્રંથો ઉપરાંત તેમણે બૉદલેરની કાવ્યરચનાઓનો ઊડિયા ભાષામાં અનુવાદ કર્યો છે. તેમને ઉત્કલ સમ્માન, ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર, ઓડિશા સાહિત્ય અકાદમી પુરસ્કાર, ઝંકાર પુરસ્કાર, ગંગાધર ચૈહર ઍવૉર્ડ, સરલા ઍવૉર્ડ અને પટ્ટણી સામંત પુરસ્કારથી સંમાનિત કરવામાં આવ્યા છે. છેલ્લા એક દસકાથી મહાભારતના કાવ્યાત્મક અનુવાદનું કાર્ય તેઓ કરે છે.

‘ગર્ભગૃહ’ કાવ્યસંગ્રહને કેન્દ્રીય અકાદમી દ્વારા 1999નો ઍવૉર્ડ અપાયો છે. આ કાવ્યોમાં પ્રગટ થતી કવિની દાર્શનિક અંર્તર્દષ્ટિ ઉલ્લેખનીય છે. તેમનો ભાવાત્મક ઉત્સાહ અને સૂચનાત્મક તથા નિરાળાં ઉપમા-રૂપકો ભાવક્ધો આકર્ષે છે. પ્રસ્તુત કાવ્યોમાં છંદોલયનું પ્રભુત્વ જણાય છે. વળી આ કાવ્યગ્રંથ બૌદ્ધિક અને સંવેદનશીલ ભાવકોને સંતર્પક થાય એવો છે. આ ગ્રંથ ભારતીય કવિતામાં ઊડિયા કવિતાના એક નોંધપાત્ર ઉમેરણરૂપ છે. 2013માં એમને મૂર્તિદેવી ઍવૉર્ડ મળ્યો હતો.

વિ. પ્ર. ત્રિવેદી