પાન, નલિન (પંડ્યા નલિનકુમાર રમણિકલાલ)

March, 2026

પાન, નલિન (પંડ્યા નલિનકુમાર રમણિકલાલ) (જ. અડતાલા, જિ. અમરેલી) : ફિલ્મદિગ્દર્શક અને ફિલ્મ- પ્રોડ્યુસર. તેઓ પાન નલિનના નામે વધુ જાણીતા છે.

નલિન પાન

તેમને નાનપણમાં અભ્યાસમાં રુચિ નહોતી પણ ડ્રૉઇંગ અને પેઇન્ટિંગમાં રસ હતો. પિતાની મદદ માટે ખીજડિયા રેલવેસ્ટેશન ઉપર ચાના સ્ટોલમાં પિતાને મદદ કરતા ત્યારે તેમની વય બાર વર્ષની હતી. માતાપિતા પાસેથી આધ્યાત્મિકતાનો વારસો મળ્યો હતો. ફિલ્મ માટે થઈને તેઓ નાની ઉંમરે જ કુટુંબથી જુદા થયા હતા ત્યાર પછી  એમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફૅકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં અને અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો. એમણે ફિલ્મનિર્માણનો અભ્યાસ જાતે જ કર્યો. નલિને અભ્યાસ દરમિયાન કેટલાંય લગ્નનાં વીડિયો શૂટિંગ કરી આપીને અભ્યાસ માટેના ખર્ચની વ્યવસ્થા કરી હતી. એન.આઈ.ડી.ના અભ્યાસ પછી નલિને મુંબઈમાં દુર્ગા ખોટે ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયા, જ્યાં એમની ક્ષમતાનો ખ્યાલ આવતાં એમને વિવિધ કાર્યો કરવાની તક મળી અને એમણે દૂરદર્શન માટે સર્જાતી ટેલિવિઝન સિરિયલ્સ માટે કાર્ય કર્યું. આ સિરિયલ્સમાં મહત્ત્વની એવી ‘વાગલે કી દુનિયા’ ખાસ ઉલ્લેખનીય છે. આ બાદ એમણે યુરોપ અને અમેરિકાની સફર છએક મહિના માટે કરી. સફરથી પરત ફર્યા બાદ એમણે પટકથા લખવાનું અને કેટલીક દસ્તાવેજી (ડૉક્યુમેન્ટરી) ફિલ્મો સર્જવાનું કાર્ય શરૂ કર્યું. એમણે ડિસ્કવરી, ચૅનલ પ્લસ અને બી.બી.સી. જેવી ટેલિવિઝન કંપનીઓ માટે દસ્તાવેજી ફિલ્મો બનાવી. શાહરૂખ ખાન અને શ્રીદેવી જેવાં ફિલ્મ કલાકારો પર ચૅનલ પ્લસ માટે દસ્તાવેજી ફિલ્મો સર્જી. નલિનની એક સ્વતંત્ર ફિલ્મસર્જક તરીકેના ઉત્સાહથી ફ્રેન્ચ ફિલ્મદિગ્દર્શક યોલાન્ડે ઝુર્બમાન (Yolande Zauberman) પ્રભાવિત થતાં એમની સાથે કામ કરવાની તક મળી. યોગાન્ડે ઝુર્બમાન તે સમયે ભારતમાં ‘બોર્ન ક્રિમિનલ’ નામની એક દસ્તાવેજી ફિલ્મ સર્જી રહ્યા હતા તેની સાથે નલિને કામ કરવાનું શરૂ કર્યું. આ ફિલ્મને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર ફિલ્મ તરીકે આમંત્રણ મળ્યું. જેની સાથે નલિનને પણ કેન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું. પાન નલિને પોતાની એ ફિલ્મનિર્માણ કંપની ‘મોનસૂન ફિલ્મ્સ’ની સ્થાપના કરીને પોતે જ ફિલ્મનિર્માણ કરવા લાગ્યા.

‘સ્કેરડ કોર્ટીઝન દેવદાસી’ અને ‘ખજૂરાહો’ (1991) નામની નલિનની ટૂંકી ફિલ્મોએ ફ્રાન્સના દર્શકોનું ધ્યાન ખેંચ્યું. પૅરિસના સિનેમૅટિકમાં તેની રજૂઆત થઈ. ‘સમ્સારા’ ફિલ્મને સર્જવા માટે એમણે સંઘર્ષ કરવો પડેલો. આ ફિલ્મને લગભગ 170 લોકોએ નકારી હતી. ત્યારબાદ જર્મન નિર્માતા કાર્લ બઉમગર્ટનરે (Karl Baumgartner) ફિલ્મના નિર્માણને માટે સહાય કરી છે. આ ફિલ્મ જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને ભારતનું સંયુક્ત નિર્માણ હતું. આ ફિલ્મની ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મીરામેક્સ અને સાંતા બાર્બરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ. અનેક પારિતોષિકો પણ મળ્યાં. પાન નલિનનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતું થયું.

‘સમ્સારા’ પછી નલિને લગભગ 15 હજાર કિલોમીટર જેટલા વિસ્તારની સફર મોટર દ્વારા ભારતમાં કરી અને અનેક ભારતીય ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરતા આયુર્વેદિક ડૉક્ટરોને મળ્યા અને તેના પરિણામરૂપ એમણે આયુર્વેદ આર્ટ ઑફ બીઇંગ’ (2001) નામની દસ્તાવેજી ફિલ્મનું સર્જન કર્યું. વિદેશમાં આ ફિલ્મ બહુ સફળ રહી અને સ્પેનમાં એક વર્ષ અને ફ્રાન્સમાં બે વર્ષ સુધી લગાતાર થિયેટરોમાં પ્રદર્શિત થઈ. અમેરિકા જેવા દેશમાં પણ તેને ભવ્ય સફળતા મળી. આ ઉપરાંત કૅનેડા, જર્મની અને હોલૅન્ડ જેવા દેશોમાં પણ બહુ સફળ રહી.

2006માં નલિને ‘વેલી ઑફ ફ્લાવર્સ’નું હિન્દી અને જાપાનીઝ ભાષામાં સર્જન કર્યું. આ ફિલ્મ એના સર્જન પૂર્વે જ અનેક દેશોમાં વિતરણ માટે વહેંચાઈ ગઈ હતી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, મીલિન્દ સોમણ અને એક ફ્રેન્ચ અભિનેત્રી મેલભદ જેમ્પનોઇ(Mylene jampanoi)એ અભિનય કરેલો. ફિલ્મને અનેક આંતરરાષ્ટ્રીય પારિતોષિકો મળ્યાં જેમાં ઉલ્લેખનીય તેવા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ લૉસએન્જેલસમાં મળેલો શ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ તથા ઇન્ડો-અમેરિકન આર્ટ કાઉન્સિલ(ન્યૂયૉર્ક)નાં ચાર પારિતોષિકો ઉલ્લેખનીય છે.

આ પછીની ફિલ્મ ‘કુંભમેલા’ 2013માં સર્જાઈ જે ફિલ્મના શીર્ષક મુજબ આપણે ત્યાં યોજાતા કુંભમેળા પરની એક દસ્તાવેજી ફિલ્મ છે. આ ફિલ્મને પણ આંતરરાષ્ટ્રીય સફળતા મળી તથા પારિતોષિક મળ્યાં. 2014માં ‘એન્ગ્રી ઇન્ડિયન વુમન’ સર્જાયું. આ ફિલ્મને પણ અનેક પારિતોષિકો મળ્યાં.

2021માં નલિને ‘છેલ્લો દિવસ’(લાસ્ટ ફિલ્મ શો)નું સર્જન કર્યું. આ ફિલ્મનું લેખન, દિગ્દર્શન અને નિર્માણ નલિને સ્વયં કરેલું. ગુજરાતીમાં સર્જાયેલી આ ફિલ્મ આમ તો નલિનની આત્મકથાત્મક ફિલ્મ હતી. ફિલ્મને અનેક દેશોમાં રજૂ કરવામાં આવી તેમ અનેક ફિલ્મ ફેસ્ટિવલોમાં રજૂઆત પામી જ્યાં તેને વિવિધ પારિતોષિકો પણ મળ્યાં. ભારતની 2023ની ઑસ્કારની સત્તાવાર એન્ટ્રી તરીકે પણ ‘છેલ્લો દિવસ’ ફિલ્મને મોકલવામાં આવી.

પાન નલિન પર શરૂઆતમાં આંદ્રેઇ તાર્કાવસ્કી, આકીરા કુરોસોવાની ફિલ્મના અભિનયની ને સ્ટેનલી ક્રુબીક અને સર્ગીઓ લોનની ફિલ્મોનો પ્રભાવ હતો. નલિનની ફિલ્મો સદંતર અલગ અલગ અને વિરોધાભાષી શૈલીની પણ સર્જાઈ છે. નલિન આ જ વાતને સિનેમૅટિક સ્ટાઇલ તરીકે ઓળખાવે છે. દૃશ્ય અને ધ્વનિની એક નવી ડિઝાઇન નલિન એમની ફિલ્મોમાં સર્જે છે જે ખૂબ પ્રભાવક હોય છે.

અભિજિત વ્યાસ