પાનગૉંગ ત્સો (પૅન્ગૉગ) : ભારતના લડાખ પ્રદેશમાં આવેલ ખારા પાણીનું સરોવર. તે લડાખના પાટનગર લેહની પૂર્વે 12૦ કિમી. અંતરે 33.45o ઉ. અ. અને 78.43o પૂ. રે. પર આવેલું છે. તેની કુલ લંબાઈ 147 કિમી. અને પહોળાઈ 5થી 7 કિમી. જેટલી છે. આ સરોવરનો  ભાગ ભારતની સીમામાં અને બાકીનો  ભાગ ચીનના પ્રદેશમાં છે. લડાખનાં મહત્વનાં પર્યટનસ્થળોમાં તેની ગણના થાય છે. ઘણા પર્યટકો ઉજાણી કરવા માટે ત્યાં તંબૂઓ તાણીને રાતવાસો કરતા હોય છે. આ સરોવર ભારત અને ચીન બંનેના પ્રદેશમાં આવતું હોવાથી સંરક્ષણની દૃષ્ટિએ તે મહત્વનું ગણાય છે અને તેથી ત્યાં ભારતીય લશ્કરનું મથક રાખવામાં આવેલું છે. તેની દક્ષિણે ચુશુલ નામનું નાનું ગામ છે.

આ સરોવરનું પાણી ખારું છતાં સ્ફટિક જેવું સ્વચ્છ હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે