સાયાની અમીન  (જ.21 ડિસેમ્બર 1932, મુંબઈ; અ.20 ફેબ્રુઆરી 2024, મુંબઈ) : રેડિયો ઉદ્ઘોષક અને પ્રસ્તુતકર્તા.

રેડિયો સિલોન પર હિન્દી ફિલ્મોનાં  ટોચનાં હિટ ગીતોનો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ રજૂ કરીને સમગ્ર ભારતીય ઉપખંડમાં  તેમણે ખ્યાતિ અને અપાર લોકપ્રિયતા મેળવી. તેમના ‘બહેનો ઔર ભાઈઓ’ જેવા એક આગવા અંદાજ સાથે શ્રોતાઓને સંબોધવાની શૈલીએ તેમને સૌથી વધુ અનુકરણ કરાયેલા ઉદ્ઘોષકોમાંના એક બનાવ્યા. એક ગુજરાતી મુસ્લિમ ખોજા પરિવારમાં તેમનો જન્મ થયો હતો.  તેમનાં માતા કુલસુમ એક સ્વાતંત્ર્યસેનાની હતાં અને મહાત્મા ગાંધીની નજીક હતાં તેથી જ સાયાની પોતાને ગાંધીવાદી કહેતા હતા.

અમીન સાયાનીનો પરિચય તેમના ભાઈ હમીદ સાયાની દ્વારા ઑલ ઇન્ડિયા રેડિયો, બૉમ્બે સાથે થયો હતો. અમીને લગભગ દસ વર્ષ સુધી ત્યાં અંગ્રેજી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અમીન સાયાની ‘ભૂત બંગલા’, ‘તીન દેવીયાં’, ‘બોક્સર’ અને ‘કતલ’ જેવી વિવિધ ફિલ્મોનો ભાગ પણ રહ્યા. તેમણે 1951માં ઑલ ઇન્ડિયા રેડિયોથી શરૂઆત કરીને, આકાશવાણીની કૉમર્શિયલ સર્વિસ (1970 થી) અને રેડિયો સિલોન (1976 થી) વચ્ચે લગભગ 54000 થી વધુ રેડિયો કાર્યક્રમો અને 19,000 જેટલા સ્પોટ/જિંગલ્સનું નિર્માણ અથવા વૉઇસ-ઓવર પ્રદાન કર્યા છે. આ રેકૉર્ડ લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સ માં નોંધાયેલ છે.

તેમના કેટલાક જાણીતા રેડિયો શોમાં સમાવેશ થાય છે :

(1) CIBACA (અગાઉ BINACA) ગીતમાલા:  મુખ્યત્વે રેડિયો સિલોન પર અને પછી વિવિધ ભારતી (AIR) પર – કુલ 42 વર્ષથી વધુ સમય માટે પ્રસારણ.   (2) ‘એસ. કુમાર્સ કા ફિલ્મી મુકદ્દમા’ અને ફિલ્મી મુલાકાત:  આકાશવાણી અને વિવિધ ભારતી પર.  (3) બોર્નવિટા ક્વિઝ સ્પર્ધા (અંગ્રેજીમાં). (4)‘શાલીમાર સુપરલક જોડી’. – આકાશવાણી પર  (5) સંગીત કે સિતારોં કી મહેફિલ :  આ શોમાં ટોચના ગાયકો, સંગીતકારો અને ગીતકારોના ઇન્ટરવ્યૂ અને સંગીત કારકિર્દીના સ્કૅચનો સમાવેશ થતો હતો; જે ભારત અને વિદેશનાં વિવિધ રેડિયો- સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવેલ.

સાયાનીએ નાટકોના સ્વરૂપમાં HIV/AIDSના વાસ્તવિક કિસ્સાઓ પર આધારિત,  13એપિસોડની રેડિયો- શ્રેણી પણ બનાવી હતી – જેમાં પ્રખ્યાત ડૉકટરો અને સામાજિક કાર્યકરો સાથેની મુલાકાતોનો સમાવેશ થાય છે. આ શ્રેણી – “સ્વનાશ” – ઑલ ઇન્ડિયા રેડિયો દ્વારા કમિશન કરવામાં આવી હતી, અને તેની ઓડિયો કૅસેટ નો પ્રયોગ ઘણી NGO દ્વારા તેમના ફિલ્ડવર્ક માટે  કરવામાં આવ્યો હતો.

 તેમને 2009 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ‘પર્સન ઑફ ધ યર -લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સ – 1992’, ‘લિવિંગ લિજેન્ડ ઍવૉર્ડ – 2006’  સહિત ઘણા બધા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ત્રિલોક સંઘાણી