સાયાણી રહીમતુલ્લા મહમદ

January, 2008

સાયાણી, રહીમતુલ્લા મહમદ (. 5 ઍપ્રિલ 1847, કચ્છ, ગુજરાત; . 4 જૂન 1902, મુંબઈ) : કૉંગ્રેસપ્રમુખ, મુંબઈ કૉર્પોરેશનના પ્રમુખ અને ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય. રહીમતુલ્લાનો જન્મ ખોજા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ સખત મહેનત અને ખંતથી કાયદાના ક્ષેત્રમાં નિષ્ણાત અને લોકોમાં જાણીતા થયા હતા. તેમણે 1866માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. તથા બૉમ્બે યુનિવર્સિટીમાંથી અનુક્રમે 1868 તથા 1870માં એમ.એ. અને એલએલ.બી.ની પરીક્ષાઓ પાસ કરી હતી. તેમણે 1872માં સૉલિસિટરની પરીક્ષા પાસ કરી અને ગિલ્બર્ટ, પેઇન ઍન્ડ સાયાણી નામની સૉલિસિટરની યુરોપિયન પેઢીમાં સૉલિસિટર તરીકે જોડાયા.

રહીમતુલ્લા મહમદ સાયાણી

સાયાણીએ 1876માં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાઈને તેમના જાહેર જીવનનો આરંભ કર્યો. તેઓ આરોગ્ય અને પાણીપુરવઠાને લગતી બાબતોમાં ખૂબ રસ લેતા અને કૉર્પોરેશનના સભ્ય તરીકે 25 વર્ષ સેવા કરી. આ દરમિયાન તેઓ 1885માં મુંબઈના શેરીફ તથા 1888માં કૉર્પોરેશનના પ્રમુખ નિમાયા હતા.

ધારાસભ્ય તરીકે સાયાણીએ લાંબો સમય સેવા આપી હતી. તેઓ મુંબઈની ધારાકીય સમિતિના સભ્ય તરીકે 1880-90 અને 1894-96 દરમિયાન તથા 1896-98માં મધ્યસ્થ ધારાકીય સમિતિના (ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ) સભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજદ્રોહી લખાણો અને વક્તવ્યો સામે પગલાં ભરવા સરકારને વધારે સત્તા આપવા માટે રજૂ કરેલા ઇન્ડિયન પીનલ કોડને સુધારવા માટેના સરકારી ખરડાની તેમણે મધ્યસ્થ ધારાકીય સમિતિમાં ટીકા કરી હતી.

ખોજા કોમમાં વારસા અંગેના કાયદા વિશે વિચારણા કરી સૂચનો કરવા 1874માં સરકારે નીમેલા ખોજા કમિશનના સભ્ય તરીકે તેમને નીમવામાં આવ્યા હતા. તેઓ બૉમ્બે યુનિવર્સિટીના ફેલો તથા 1891-96 દરમિયાન તેની સિંડિકેટના સભ્ય હતા. ઈ. સ. 1893માં અમદાવાદમાં મળેલી મુંબઈ પ્રાંતિક પરિષદના પ્રમુખસ્થાને તેઓ હતા.

સાયાણી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાથી તેની સાથે જોડાયેલા હતા અને 1885ની પ્રથમ બેઠકમાં ઉપસ્થિત રહેલા બે ભારતીય મુસ્લિમોમાંના એક તેઓ હતા. જાહેર સેવાના પ્રશ્ન ઉપર વિચારણા કરવા 1886માં કૉંગ્રેસે રચેલી સમિતિના તેઓ સભ્ય હતા. ઈ. સ. 1899માં રચાયેલી કૉંગ્રેસની કાર્યવાહક સમિતિમાં તેઓ મુંબઈના પ્રતિનિધિ હતા. કોલકાતા મુકામે 1896માં મળેલ કૉંગ્રેસની 12મી વાર્ષિક બેઠકનું પ્રમુખસ્થાન તેમણે સંભાળ્યું હતું. તેમણે પ્રમુખપદના સંબોધનમાં ભારતમાં બ્રિટિશ રાજની આર્થિક અને નાણાકીય બાબતો પર વિશેષ ધ્યાન આપ્યું હતું; તેથી તે પ્રવચન વખણાયું હતું. તેમણે એવી માગણી કરી હતી કે 1892માં રચવામાં આવેલી ધારાકીય સમિતિઓને સુધારા રજૂ કરવાની તથા અંદાજપત્ર પર મતદાન કરવાની સત્તા આપવી જોઈએ.

તેમણે એવો દાવો કર્યો હતો કે ભારતની કરોડો પાઉન્ડની સંપત્તિ ઇંગ્લૅન્ડ ચાલી જાય છે અને તેને કારણે ભારત પાયમાલ થાય છે. લશ્કર અને જાહેર સેવાઓ માટે વધતા જતા ખર્ચની પણ તેમણે ટીકા કરી હતી.

દુષ્કાળ અને ખેતીની સમસ્યાઓની ચર્ચા કરતાં સાયાણીએ ચિંતા વ્યક્ત કરી કે અનાજનું ઉત્પાદન દેશની આવશ્યકતા જેટલું જ હોવા છતાં પ્રતિવર્ષ 25 લાખ ટન અનાજ નિકાસ કરવામાં આવે છે.

સાયાણીએ ભારતના મુસ્લિમોને કૉંગ્રેસમાં જોડાવા વિનંતી કરી અને જણાવ્યું કે કૉંગ્રેસ વફાદાર તથા દેશભક્ત, પ્રબુદ્ધ અને વગદાર, પ્રગતિશીલ અને તટસ્થ — એમ દેશના બધા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમણે પાશ્ર્ચાત્ય શિક્ષણની હિમાયત કરી અને મુસ્લિમો માટે તેની આવશ્યકતા જણાવી.

સાયાણી ઊંચા અને મજબૂત બાંધાના હતા તથા દાઢી રાખતા હતા. તેઓ સામાન્ય રીતે ખોજાઓના પ્રકારની પાઘડી પહેરતા હતા.

જયકુમાર ર. શુક્લ