‘ડાયરાનો જાદુગર’- હાજી રમકડું.

March, 2026

ડાયરાનો જાદુગર’- હાજી રમકડું. (. 17 મે 1951, ગીર સોમનાથ, જૂનાગઢ) : ઢોલકવાદક હાજી કાસમ મીર.

જૂનાગઢ પાસેના મીર પરિવારમાં કાસમનો જન્મ થયો, સંગીતનો શોખ તેમને વારસામાં જ મળ્યો એવું કહી શકાય,અને માત્ર નવ વર્ષની વયે પિતાજીએ કાસમના હાથમાં ઢોલક આપ્યું. કિશોરવયે કાસમે પરિવારને મદદરૂપ થવા ચા ની કીટલી પર પણ કામ કર્યું. જૂનાગઢ સ્થળાંતરિત થયા બાદ બાળક કાસમના ઢોલ વગાડવાના શોખે એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી.નવરાત્રીના દિવસોમાં સ્થાનિક કલાકારોના ગરબામાં ઢોલ વગાડવાની કાસમે શરૂઆત કરી અને જૂનાગઢના વણઝારી ચોકમાં થતા ગરબામાં ભીખુદાન ગઢવી, દિવાળીબહેન ભીલ અને હાજી કાસમ મીરની ત્રિપુટીએ આ નવરાત્રીને એક અલગ ઓળખ આપી.જવાનીના દિવસોમાં કાસમભાઈ લાંબા વાળ ધરાવતાં હતાં. એક કાર્યક્રમમાં કાસમભાઈને જોઈ એક મિત્રએ કહ્યું કે તું ઢોલ પર થાપ મારે છે, ત્યારે રમકડાંની માફક આ પળોને માણે છે- આથી તારું નામ હાજી રમકડું. બાદમાં આ નામ જ પ્રચલિત થઇ ગયું. મીર હાજી કાસમ અથવા તો હાજી રમકડાએ જાણીતા કલાકારો ભીખુદાન ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબહેન ભીલ,પ્રફુલ દવે સાથે સંગત કરીને એક આગવી ઓળખ ઊભી કરી છે. એક સમયે, એક કાર્યક્રમમાં ઢોલ વગાડવાનો જેમને માત્ર દોઢ રિપયો મળતો તેવા હાજી રમકડુંએ દેશ-વિદેશમાં હજારો કાર્યક્રમો દ્વારા પોતાનો એક ખાસ ચાહકવર્ગ ઉભો કર્યો છે અને તેમના ચાહકોમાં એક નામ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પણ છે. હાજી રમકડુંએ ગૌસેવાના કાજ માટે હજારો કાર્યક્રમો એક પણ રૂપિયો લીધા વગર કર્યા છે. તેમના કલાના ક્ષેત્રમાં પ્રદાન બદલ તેમને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.

ત્રિલોક સંઘાણી