ડાયમૉર્ફોથિકા : દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી જાતિ. (વૈજ્ઞાનિક નામ : Dimorphotheca aurantiaca.) તે આફ્રિકાની મૂલનિવાસી છે. હવે લગભગ બધે જ થાય છે. 30–35 સેમી. ઊંચી હોય છે. તેનાં પુષ્પો શિયાળામાં બેસે છે અને ડેઇઝીની જેમ મુખ્યત્વે કેસરી, પરંતુ તપખીરિયા તેમજ બીજા રંગનાં પુષ્પ પણ સારા પ્રમાણમાં આવે છે. પુષ્પો રાત્રે લગભગ બિડાઈ જાય છે. તેનાં પર્ણો લાંબાં હોય છે અને પર્ણકિનારી ક્યારેક દાંતાવાળી હોય છે.

તેને ‘ધ કેપ મેરીગોલ્ડ’ કે ‘આફ્રિકન ઑરેન્જ ડેઇઝી’ પણ કહે છે. તેની સંકર તેમજ અન્ય ઘણી જાતો હવે બજારમાં પ્રાપ્ય છે. તેનાથી ઉદ્યાનમાં ક્યારીઓની શોભા ઓર વધી જાય છે. તેને એકલી કે બીજી જાત સાથે રોપી શકાય છે.

મ. ઝ. શાહ